મણીપુરમાં ફરી કેવી હિંસા ફાટી નીકળી ? કેટલાના મોત થયા ? વાંચો
મણિપુર ફરી હિંસા અને ગોળીબારીથી હચમચી ગયુ હતું. કુકી ઉગ્રવાદીઓએ ગામ પર ડ્રોનથી બોમ્બ વરસાવ્યા હતા. ઉગ્રવાદીઓએ પહાડના શિખરથી નીચેના વિસ્તાર કોત્રુક અને કડાંગબાંડ ખીણને નિશાન બનાવી અને પહેલા અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો તે બાદ ડ્રોનથી બોમ્બ વરસાવ્યા હતા. આ હુમલામાં બે લોકોના મોત થયા હતા. બે સુરક્ષા કર્મચારીઓ સહિત 9 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. ઇમ્ફાલ જિલ્લામાં સંચારબંધી લાગુ કરવાની ફરજ પડી હતી.
કોત્રુક ગામના લોકોએ ઘટનાને લઈને નિરાશા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા ફરીથી શાંતિ સ્થાપિત કરવાને લઈને ઘણી વખત આશ્વાસન આપવામાં આવ્યુ તેમ છતાં અમે લોકો સુરક્ષિત નથી. સ્થાનિક મહિલા મોનિટરિંગ જૂથના સભ્ય નિંગથૌજમ ટોમાલેઈએ કહ્યુ, રાજ્ય સરકાર વારંવાર દાવો કરે છે કે શાંતિ પુનઃસ્થાપિત કરવામાં આવી છે, પરંતુ અમે હજુ પણ હુમલાના ડરમાં જીવી રહ્યાં છીએ. આપણે ખરેખર ક્યારે સુરક્ષિત રહીશું?
મણિપુર ગૃહ વિભાગે તેને આતંકનું જઘન્ય કૃત્ય ગણાવ્યુ છે જે રાજ્યની શાંતિ માટે જોખમ છે. આ દરમિયાન સ્થાનિક તંત્રએ ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં કર્ફ્યુ લગાવી દીધું છે. મણિપુર સરકારે હુમલાની નિંદા કરી અને જવાબદાર લોકો વિરુદ્ધ આકરી કાર્યવાહીનું આશ્વાસન આપ્યુ હતું.
જો કે આ પ્રકારના હુમલાઓથી લોકોમાં ભય ફેલાઈ ગયો હતો અને સેંકડો લોકો ઘર છોડીને નાસી ગયા હતા. પરિવાર સાથે તેઓ હિજરત કરી ગયા હતા.