NEET-UGનું પરિણામ ઓનલાઈન થયા બાદ રાજકોટ કેવી રીતે ચર્ચામાં આવ્યું ? વાંચો
- નીટ યુજી પરિણામ : રાજકોટમાં 12 સ્ટુડન્ટને 700 થી વધુ અંક
- 85 ટકા પરીક્ષાર્થી ક્વોલિફાઈ થયા : 115ને 650 થી વધુ અંક મળ્યા : ગોધરામાં પણ 181 પરીક્ષાર્થી ક્વોલિફાઈ
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
નીટ યુજી પેપર લીક મામલામાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એનટીએ દ્વારા શનિવારે પરીક્ષાનું પરિણામ ઓનલાઈન થયું હતું અને વેબસાઇટ પર કેન્દ્ર તથા સિટીવાઇઝ માહિતી મૂકી હતી અને ત્યારબાદ કેટલાક કેન્દ્રોનું પરિણામ ભારે નીકળ્યું હતું અને તેમાં રાજકોટ તથા ગોધરાનો પણ સમાવેશ થયો છે.
વેબસાઇટ પર પરિણામ મુકાયા મુજબ રાજકોટ કેન્દ્રમાં 85 ટકા સ્ટુડન્ટ નીટ માટે ક્વોલિફાઈ થયા હતા, એ જ રીતે 12 પરિક્ષાર્થીને 700 થી વધુ અંક મળ્યા છે અને 115 સ્ટુડન્ટને 650 થી વધુ અંક પ્રાપ્ત થયા છે. આમ એક જ સેન્ટરથી સૌથી વધુ પરિણામ રહ્યું હોવાનું ખૂલ્યું હતું.
એ જ રીતે ગોટાળામાં જેનું નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું હતું તે ગોધરાની જલારામ સ્કૂલ સેન્ટર પર 181 પરિક્ષાર્થીઓએ નીટ એક્ઝામ ક્વોલિફાઈ કરી હતી. વેબસાઈટના હોમ પેજ પર મુકાયેલી માહિતી મુજબ આ સ્થિતિ ખૂલવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોધરામાં ગોટાળા થયાની વાત બહાર આવ્યા બાદ સીબીઆઈએ સ્કૂલના પ્રિન્સિપાલ અને એક ટીચર સહિત 5 લોકોની ધરપકડ કરી હતી. આ સ્કૂલમાં એવું સેટિંગ થયાનો આરોપ છે કે સ્ટુડન્ટ સાથે સેટિંગ થયું હતું કે જેટલું આવડે એટલું લખવું અને બાકીના પેપર ટીચર સોલ્વ કરશે. બાકીનું પેપર તુષાર ભટ્ટ સોલ્વ કરશે તે માટે સોદો થયો હતો.
સીબીઆઈએ 5 પૈકીનાં 4 આરોપીઓની રિમાન્ડ મેળવી હતી અને એમની પૂછપરછ બાદ બીજા સ્થળે દરોડા પાડયા હતા. તુષારે કબૂલાત પણ કરી હતી કે સ્ટુડન્ટ પાસેથી રૂપિયા 10 -10 લાખ લેવાની ગોઠવણ થઈ હતી. તેની ગાડીમાંથી રૂપિયા 7 લાખ પણ મળી આવ્યા હતા.