બોન્ડ માર્કેટમાં વિદેશી રોકાણકારોએ કેટલા નાણાં ઠાલવ્યા ? વાંચો
વિદેશી રોકાણકારોએ ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં દેશના બોન્ડ માર્કેટમાં રૂ. 11,366 કરોડનું રોકાણ કર્યું છે. આ સાથે આ વર્ષે બોન્ડ સેક્ટરમાં ચોખ્ખી મૂડીનો પ્રવાહ રૂ. 1 લાખ કરોડને વટાવી ગયો છે.
આ વર્ષે જૂનમાં જેપી મોર્ગનના ઇમર્જિંગ માર્કેટ ગવર્નમેન્ટ બોન્ડ ઇન્ડેક્સમાં ભારતના સમાવેશને કારણે ભારતના બોન્ડ માર્કેટમાં વિદેશી રોકાણકારોની મજબૂત ખરીદીને કારણભૂત ગણાવી શકાય.
ડિપોઝિટરી ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ મહિને (24 ઓગસ્ટ સુધી) બોન્ડ માર્કેટમાં રૂ. 11,366 કરોડનું રોકાણ કર્યું છે. શેર બજારમાં પણ રમણું રોકાણ વધી રહ્યું છે.
જુલાઈમાં ભારતીય બોન્ડ માર્કેટમાં રૂ. 22,363 કરોડ, જૂનમાં રૂ. 14,955 કરોડ અને મેમાં રૂ. 8,760 કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું. અગાઉ, તેઓએ એપ્રિલમાં 10,949 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. આ તાજા મૂડીપ્રવાહ સાથે, 2024માં અત્યાર સુધીમાં બોન્ડ્સમાં એફપીઆઈ નેટ રોકાણ રૂ. 1.02 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.
બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ઓક્ટોબર 2023માં ભારતના સમાવેશની જાહેરાત બાદથી, એફપીઆઈ વૈશ્વિક બોન્ડ સૂચકાંકોમાં સમાવેશની આશામાં તેમના રોકાણમાં વધારો કરી રહ્યા છે. અને તેના સમાવેશ પછી પણ મૂડી પ્રવાહ મજબૂત રહે છે.
બીજી તરફ, યેન કેરી ટ્રેડ એટલે કે નીચા વ્યાજ દરો ધરાવતા દેશો પાસેથી લોન લઈને અન્ય દેશોની અસ્કયામતોમાં રોકાણનો અંત, અમેરિકામાં મંદીની આશંકા અને વૈશ્વિક સ્તરે ચાલી રહેલા સંઘર્ષને કારણે, એફપીઆઈએ ઈક્વિટીમાંથી રૂ. 16,305 કરોડ પાછા ખેંચી લીધા છે.