જાન્યુઆરીમાં પેસેન્જર વાહનોના વેંચાણમાં કેટલો વધારો? જુઓ..
દેશનું અર્થતંત્ર આગળ વધી રહ્યું છે અને લોકો દિલ ખોલીને ખરીદી કરી રહ્યા છે. આ હકીકતને ઉજાગર કરતાં આંકડા જાહેર થયા છે જે મુજબ દેશમાં જાન્યુઆરી માસમાં પેસેન્જર વાહનોના વેંચાણમાં ૧૫ ટકા જેટલો ભારે વધારો નોંધાયો હતો. કાર કંપનીઓ માટે ૨૦૨૪નો પ્રથમ મહિનો શાનદાર રહ્યો હતો.
લગભગ દરેક કેટેગરીમાં વેંચાણમાં વધારો થયો છે. જેમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, પેસેન્જર વ્હીકલ, ટ્રેક્ટર અને કોમર્શિયલ વાહનોનો સમાવેશ થાય છે. ટુ-વ્હીલરના વેંચાણમાં ૩૭ ટકા અને થ્રી-વ્હીલરના વેંચાણમાં ૧૩ ટકા, પેસેન્જર વ્હીકલમાં ૨૧ ટકા જેટલો વધારો નોંધાયો હતો.
સ્પોર્ટ્સ યુટીલીટી વાહનો એટલે કે, એસયુવીની મજબૂત ડિમાન્ડ રહી હતી. એટલા માટે જ જાન્યુઆરીમાં પેસેન્જર વાહનોના રિટેલ વેંચાણમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. એ જ રીતે ટ્રેક્ટરના વેંચાણમાં પણ ૨૧ ટકા જેટલો વધારો નોંધાયો હતો. વેંચાણની આ પ્રક્રિયા આગામી સમયમાં પણ હકારાત્મક મોડમાં રહેશે તેમ માનવામાં આવે છે.
કાર ઉત્પાદક કંપનીઓ અને ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓ માટે ૨૦૨૪નો જાન્યુઆરી મહિનો ખૂબ જ ઉત્સાહજનક રહ્યો હતો અને રોજગારમાં પણ વધારો થયો હતો. વધુ ડિમાન્ડ કારણે ઉત્પાદનની સંખ્યા વધારી દેવામાં આવી હતી.