જુલાઈમાં એફપીઆઈએ કેટલું રોકાણ કર્યું ? વાંચો
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ચાલુ મહિને અત્યાર સુધીમાં શેરબજારમાં રૂ. 33,600 કરોડથી વધુનું રોકાણ કર્યું છે જેમાં સતત નીતિગત સુધારા, સતત આર્થિક વૃદ્ધિ અને કંપનીઓના અપેક્ષા કરતાં વધુ સારા ત્રિમાસિક પરિણામોની અપેક્ષાઓને જોતાં રોકાણ થયું છે.
જો કે, સરકારે બજેટમાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગ અને ઇક્વિટી રોકાણોમાંથી મૂડી નફો પર ટેક્સ વધાર્યા પછી છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રો (જુલાઈ 24-26)માં એફપીઆઈએ સ્ટોક્સમાંથી રૂ. 7,200 કરોડથી વધુ ઉપાડી લીધા હતા.
બજારના નિષ્ણાતો માને છે કે ભારતીય શેરબજાર આ વર્ષે વિદેશી રોકાણ આકર્ષવા માટે સારી સ્થિતિમાં છે. જો કે, કેટલાક ઘટનાક્રમને લીધે, માસિક ધોરણે કેટલીક વધઘટ થઈ શકે છે. બજાજ ફિનસર્વના વડા નિમેશ ચંદને જણાવ્યું હતું કે, “ભારતીય શેરબજાર અને ડેટ કે બોન્ડ માર્કેટ આ વર્ષે સાનુકૂળ સ્થિતિમાં છે. આનાથી દેશમાં વિદેશી પ્રવાહ આકર્ષિત થવો જોઈએ. જોકે, મહિના-દર-મહિનાના આધારે કેટલીક વધઘટ જોવા મળી શકે છે.
ડિપોઝિટરી ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એ ચાલુ મહિને (26 જુલાઈ સુધી) શેર્સમાં ચોખ્ખું રૂ. 33,688 કરોડનું રોકાણ કર્યું છે. અગાઉ જૂનમાં શેર્સમાં રૂ. 26,565 કરોડનું રોકાણ થયું હતું.
એફપીઆઈએ મે મહિનામાં ચુંટણીના પરિણામો અંગે મૂંઝવણ વચ્ચે સ્ટોકમાંથી રૂ. 25,586 કરોડ ઉપાડી લીધા હતા. મોરેશિયસ સાથેની ભારતની ટેક્સ સંધિમાં ફેરફાર અને યુએસમાં બોન્ડ યીલ્ડમાં વધારો થવાની ચિંતાને કારણે એપ્રિલમાં સ્ટોક્સમાંથી રૂ. 8,700 કરોડ પાછા ખેંચ્યા હતા.