મુંબઈમાં શપથ સમારોહમાં કેટલી મતાની ચોરી થઈ ? પોલીસે શું કહ્યું ? જુઓ
5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત મહાયુતિ સરકારના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન સોનાની ચેન, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ 12 લાખ રૂપિયાની વસ્તુઓની ચોરી થઈ હતી. એક પોલીસ અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. પોલીસે એવી માહિતી આપી હતી કે સોનાના 11 ચેન સેરવી લેવાયા છે અને રોકડ રકમ પણ ચોરાઇ છે.
આઝાદ મેદાન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે અને આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે. આઝાદ મેદાન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં ભારતીય જનતા પાર્ટી ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, જ્યારે શિવસેનાના એકનાથ શિંદે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ઉદ્યોગ, સિનેમા અને રાજકારણની ટોચની હસ્તીઓ હાજર રહી હતી. સમારોહની સુરક્ષા માટે 4,000 થી વધુ પોલીસકર્મીઓ સ્થળ અને આસપાસના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે, “સોનાની ચેન, ફોન અને પર્સની ચોરી કરનારા ચોરોએ ગેટ નંબર બે પરથી ઇવેન્ટમાંથી બહાર નીકળતા લોકોનો લાભ લીધો હતો.” પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ આરોપીને પકડવા કામે લાગી છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.”