એનઆઈએ દ્વારા કેટલા રાજ્યોમાં દરોડા ? શું છે મામલો ? વાંચો
ગુજરાત સહિત 5 રાજ્યોમાંએનઆઈએ દ્વારા ગુરુવારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આતંકી ફંડિંગ અને યુવકોને કટ્ટરપંથી બનાવવા સામે આ કાર્યવાહી થઈ હતી. વાસ્તવમાં જૈશ-એ-મોહમ્મદના કટ્ટરપંથ ભરતી મુદ્દે 5 રાજ્યોમાં સર્ચ હાથ ધરાયું હતું. એનઆઈએ દ્વારા 19 સ્થળો પર દરોડા પાડીને સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં જમ્મુ-કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં તપાસ કરાઇ છે. મહત્વનું છે કે, શંકાસ્પદ સ્થળોએ વહેલી સવારથી એનઆઈએ દ્વારા સર્ચ શરૂ કરાયું હતું.
આ દરમિયાન ઝાંસી ખાતેથી ખાલીદ નામના એક મુફતીની ધરપકડ કરી લેવાઈ હતી અને તેની સામે સેંકડો મહિલાઓ સડક પર ઉતરી આવી હતી અને ધરપકડનો વિરોધ કર્યો હતો. અધિકારીઓએ જૈશ સંગઠન સાથે સંબંધ હોવાની બાતમીના આધારે શંકાસ્પદ લોકોને અટકમાં લીધા હતા. ગુજરાતનાં સાણંદ પંથકમાં પણ દરોડા, તલાશી અભિયાન ચલાવાયું હતું. અહીંથી એક શખ્સની અટકાયત કરાઇ હતી.
નોંધનિય છે કે, 2 મહિના પહેલા એનઆઈએએ આતંકી સુલતાન સલાહ ઉદ્દીન અયુબી ઉર્ફે અયુબી શેખની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં ઘણી માહિતી મળી હતી ત્યારબાદ એનઆઈએ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ સાથે અગાઉ આસામ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં તપાસ કરાઈ હતી. જેમાં 26 સ્થળોએ સર્ચ કર્યા બાદ અયુબી ધરપકડ કરી હતી. આતંકી કાવતરાના કેસમાં ભૂમિકાને કારણે આરોપીની ધરપકડ કરાઈ હતી. જે બાદમાં હવે એનઆઈએ દ્વારા જૈશ-એ-મોહમ્મદના રેડિકલેજેશન કેસમાં 5 રાજ્યોમાં સર્ચ હાથ ધરાયું છે.