ઇઝરાયલના હુમલામાં ફરી ગાઝામાં કેટલા લોકોના મોત થયા ? જુઓ
ઇઝરાયલી હવાઈ હુમલામાં એક પત્રકાર સહિત ઓછામાં ઓછા 22 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. અત્યાર સુધીમાં 46 હજાર લોકોના મોત થયા છે. ઇંધણની અછતને કારણે ગાઝામાં સંદેશાવ્યવહાર ખોરવાઈ જવાનો ભય પણ વધ્યો છે. હજુ પણ હુમલા ચાલુ જ રહ્યા છે ત્યારે વધુ જાનહાનિ થવાનો ભય છે.
ગાઝામાં નાગરિક સંરક્ષણ અનુસાર, હવાઈ હુમલો શુજૈયા વિસ્તારમાં એક ઘરને નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ, મધ્ય ગાઝામાં અલ-બુરેઇજ શરણાર્થી શિબિર પર હવાઈ હુમલામાં સાત લોકો માર્યા ગયા. દક્ષિણ ગાઝામાં ખાન યુનિસમાં નાસેર હોસ્પિટલના તબીબી અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના અનેક સ્થળોએ હવાઈ હુમલાઓ થયા બાદ ચાર મૃતદેહો મળી આવ્યા છે.
માર્યા ગયેલા પત્રકારોની સંખ્યા 203 થઈ
મધ્ય ગાઝામાં અલ-નુસૈરત સ્થિત અલ-અવદા હોસ્પિટલે જણાવ્યું હતું કે તોપમારો અને ડ્રોન હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે અને છ અન્ય ઘાયલ થયા છે, જેમાં અલ-ગાદ ટીવીના પત્રકાર સઈદ નભાનનો પણ સમાવેશ થાય છે. ગાઝા સ્થિત સરકારી મીડિયા કાર્યાલય અનુસાર, નાભાનના મૃત્યુ સાથે, 7 ઓક્ટોબર, 2023 ના રોજ શરૂ થયેલા સંઘર્ષ પછી માર્યા ગયેલા પત્રકારોની સંખ્યા 203 થઈ ગઈ છે.