દેશમાં કેટલી દવાઓ સસ્તી કરવાનો લેવાયો નિર્ણય ? જુઓ
દેશની જનતાને આરોગ્યની જાળવણી કરવામાં સહાયતા કરવા માટે વધુ એક પગલાંની જાહેરાત ગુરુવારે કરવામાં આવી હતી. ખૂબ જ જરૂરી એવી વધુ 62 જેટલી દવાઓ સસ્તી કરવાનું એલાન રાષ્ટ્રીય ઔષધ મૂલ્ય નિર્ધારણ ઓથોરીટી એટલે કે એનપીપીએ દ્વારા કારવામાં આવ્યું હતું.
મહત્વની વાત એ છે કે ગોઠણ બદલવા સાથે જોડાયેલ ઈમ્પ્લાન્ટને ભાવ નિયંત્રણના દાયરામાં લાવવાનો પણ નિર્ણય જાહેર કરાયો હતો. ઓથોરીટીની 126 મી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા. દેશમાં દર વર્ષે 20 હજાર લોકો ગોઠણ ઈમ્પ્લાન્ટ સારવાર કરાવે છે.
કેન્દ્ર સરકારે એવી જાણકારી આપી છે કે બીપી એટલે કે બ્લડ પ્રેશર અને શુગર સહિતની બિમારીઓમાં ઉપયોગમાં લેવાતી દવાઓના 62 ફોરમૂલેશનને પ્રાઇસ કંટ્રોલ હેઠળ લેવામાં આવ્યા છે. એનપીપીએ દ્વારા એવી જાણકારી અપાઈ હતી કે ગોઠણ ઈમ્પ્લાન્ટના ભાવને નિયંત્રિત કરવાનો નિર્ણય લેવાયો છે.
અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે વર્તમાનમાં ગોઠણ ઈમ્પ્લાન્ટ માટે ભાવ રૂપિયા 5 હજારથી લઈને 12 હજાર સુધીનો છે અને તેમાં મોટા પાયે ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે જેથી સામાન્ય વર્ગના લોકો પણ આ સારવાર સરળતાથી કરાવી શકે .
જો કે મેલેરિયા રોગમાં કામ આવતી દવા ક્લોરોકવિનના ભાવમાં પણ ફેરફાર કરવાનો નિર્ણય થયો છે અને તે મુજબ તેના ભાવમાં થોડો વધારો થશે. આ સિવાય જરૂરી એવી 62 દવાઓ સસ્તી કરવાનો નિર્ણય લેવાયો છે.