મુસ્લિમો માટે ચાર લગ્ન અંગે હાઇકોર્ટે શું કહ્યું, વાંચો
મદ્રાસ હાઈકોર્ટનો એક કેસ અંતર્ગત ચૂકાદો: પત્નીએ લગ્ન સમાપ્ત કરવાની કરેલી અરજી અને આરોપો અદાલતે સાચા માન્યા: ઈસ્લામના કાનૂનમાં ઘણી શરતો છે
ઈસ્લામિક કાનૂનમાં ભલે એક મુસ્લિમને ચાર લગ્ન કરવાનો અધિકાર અપાયો હોય પરંતુ તેનો મતલબ એ નથી કે તે શખસ પત્નીઓ સાથે ભેદભાવ રાખે અને ખરાબ વર્તન કરે. તેણે તમામ પત્નીઓને સમાન અધિકાર આપવા પડે અને એમની સાથે ખુબ સારો વ્યવહાર કરવો પડે. જો એમ ન કરે તો તે ક્રુરતા ગણાશે. મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આ મુજબનો એક ફેંસલો અપાયો હતો જેમાં ન્યાયમૂર્તિ ટીકા રમણ અને ન્યાયમૂર્તિ બાલાજીની બેન્ચે એક મહિલાના આરોપોને સાચા ગણીને લગ્ન સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટે ફેમિલી કોર્ટના ફેંસલાને યથાવત રાખીને એમ ઠરાવ્યું હતું કે, પતિ અને તેના પરિવારના લોકોએ પ્રથમ પત્નીનું ઉત્પીડન કર્યું હતું માટે લગ્ન સમાપ્ત કરી શકાય છે. ત્યારબાદ શખસે બીજા લગ્ન કર્યા હતા અને ત્યારથી તેની સાથે રહેવા લાગ્યો હતો. કોર્ટે કહ્યું કે, પતિએ પ્રથમ પત્ની સાથે સમાન વર્તન રાખ્યું નથી. ઈસ્લામિક કાનૂનમાં નિયમ છે કે, ચાર લગ્ન કરવા હોય તો તમામ પત્નીઓ સાથે સમાન વ્યવહાર રાખવો પડે અને સમાન અધિકાર આપવા પડે.
જે કેસમાં અદાલતે ચૂકાદો આપ્યો છે તેની અરજદાર પત્નીએ એવો આરોપ પણ મુક્યો હતો કે, સગર્ભાવસ્થા દરમિયાન પણ મારી કોઈ ખેવના કે કાળજી રાખવામાં આવી ન હતી. બલ્કે મને એવું ભોજન આપવામાં આવ્યું જેનાથી મને એલર્જીની સમસ્યા થઈ ગઈ. ઉત્પીડનને કારણે મિસકેરેજ પણ થઈ ગયું હતું.