હવે બ્રિટને કેટલા ગેરકાયદે વસાહતીઓને પકડીને બહાર કર્યા ? વાંચો
અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓ સામે લાલ આંખ કરીને એમને દેશનિકાલ કર્યા છે જેમાં ભારતીય નાગરિકોનો વારો પણ ચડી ગયો છે અને તે જોઈને હવે બ્રિટનને પણ સુરાતન ચડ્યું છે અને ત્યાં પણ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ભારતીય સહિત અલગ અલગ દેશના આવા ૧૯ હજાર લોકોને દેશની બહાર કરી દીધા છે .

બ્રિટને એવો દાવો કર્યો છે કે અમે અપરાધીઓને પણ દેશની બહાર ધકેલી દીધા છે . બ્રિટનના ગૃહમંત્રીએ મીડિયાને એમ કહ્યું હતું કે અમારી સરકાર આવ્યા બાદ આ અભિયાન શરૂ કરી દેવાયું હતું. ગેરકાયદે રહેતા લોકોને પકડવા માટે દરોડાઓનો દોર ચલાવાઈ રહ્યો છે .
આ અભિયાન હેઠળ ભારતીય હોટેલો, રેસ્ટોરન્ટ, બાર અને કાર વોશ સેન્ટરો પર જઈને તપાસ કરાઇ રહી છે અને ગેરકાયદે લોકોને બહાર કરવામાં આવી રહ્યા છે આવા સ્થળો પર પ્રવાસી કર્મચારીઓ કામ કરે છે . જાન્યુઆરીમાં આવા ૮૨૮ લોકોને પકડીને બહાર ધકેલી દેવાયા હતા. ૬૦૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
બ્રિટનના સત્તાધીશોએ એમ કહ્યું છે કે ગુપ્તચરો દ્વારા અપાયેલી બાતમીના આધાર પર જ આ કાર્યવાહી થઈ રહી છે . હજુ આગામી દિવસોમાં પણ આ અભિયાન ચાલુ જ રહેશે અને હજુ ઘણા આવા લોકોને પકડીને બહાર કરવામાં આવશે .