ગ્રામ્ય ભારતના આરોગ્યની કઈ રીતે થઈ રહી છે દુર્દશા ? શું ખૂટે છે ? જુઓ
દેશમાં આરોગ્ય સંભાળ માટે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન ખૂબ જ ગંભીર રહ્યા છે તેમ છતાં હજુ ગ્રામ્ય ભારતની હાલત અત્યંત ચિંતાજનક રહી છે. ગ્રામ્ય ભારતમાં ડૉક્ટરોનો દુકાળ ઘાતક નીવડી રહ્યો છે. ખુદ સરકારના જ એક રિપોર્ટમાંઆ આ હકીકત ઉજાગર થઈ છે. આરોગ્યની આવી દુર્દશા હોય તો પછી રોગચાળા કાયમી મુકામ કરી જ શકે છે .
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અહેવાલમાં જણાવ્યા મુજબ આજે પણ ગ્રામ્ય ભારતના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં 80 ટકા ડોકટરો અને સ્પેશ્યાલિસ્ટની અછત પ્રવર્તી રહી છે અને લોકોને વ્યવસ્થિત સારવાર મળી શકતી નથી. લોકોને દૂર દૂર સુધી શહેરોમાં લાંબા થવું પડે છે.
2022-23 ની સ્થિતિના રિપોર્ટમાંઆ એવી માહિતી અપાઈ છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં કૂલ 22 હજાર ડોકટરોની જરૂર હતી પણ માત્ર 4413 ડોકટરો જ ઉપલબ્ધ હતા. આ સ્થિતિ છેલ્લા ઘણા સમયથી રહી છે અને તેનો કોઈ ઉપાય થતો નથી.
અત્યારે દેશભરમાં 757 જિલ્લાઓમાં કૂલ 5491 સામૂહિક આરોગ્ય કેન્દ્રો આવેલા છે અને મોટા ભાગના ડોકટરોની ખેંચ અનુભવી રહ્યા છે અને ગ્રામ્ય લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. એમને શહેરોમાં મોંઘી સારવારના શિકાર બનવું પડે છે.
ગામડાઓમાં મોટા ભાગના સામૂહિક કેન્દ્રોમાં 30 બેડની પણ વ્યવસ્થા હોય છે અને એક ઓપરેશન સેન્ટર પણ હોય છે. એક લેબર રૂમ અને એક લેબોરેટરી પણ હોય છે . જો કે સ્પેશ્યાલિસ્ટ અને ડૉક્ટરોના અભાવે આ બધી સુવિધા વ્યર્થ બની જાય છે.
ગામડાઓમાં એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ફિઝિશ્યન, સર્જન, બાળરોગના નિષ્ણાત જેવુ પણ કોઈ નથી. આવા કેન્દ્રોમાં આ બધા જ ડોકટરો હોવા જોઈએ પણ ગ્રામ્ય ભારતના આરોગ્યની ભારે દુર્દશા થઈ રહી છે.