દુનિયાભરમાં પેટ્રોલના ભાવમાં કેવો થયો છે ફેરફાર ? વાંચો
ક્રૂડના ભાવમાં ઘટાડાને પગલે દુનિયાભરમાં પેટ્રોલ સસ્તું થઈ રહ્યું છે. નેપાળમાં પણ પેટ્રોલના ભાવ ભારત કરતાં ઓછા થઈ ગયા છે. આ સિવાય બીજા પાડોશી દેશો ભૂટાન, બાંગ્લાદેશ, ચીન, પાકિસ્તાન વગેરેમાં પણ ભારતની સરખામણીમાં રૂપિયા 37 સુધી પેટ્રોલ સસ્તું થયું છે.
ક્રૂડનો ભાવ ફરી 70 ડોલરની નિકટ આવી ગયો છે. બધા જ દેશો પેટ્રોલના ભાવ ઘટાડી રહ્યા છે પણ ભારતમાં ભાવ હજુ પણ સૌથી ઊંચા જ બનેલા છે. પાકિસ્તાનમાં તો ભારત કરતાં પેટ્રોલ રૂપિયા 27 જેટલું સસ્તું થઈ ગયું છે. અહીં ભાવ રૂપિયા 74.75 પ્રતિ લિટર છે. જ્યારે ભારતમાં રૂપિયા 100 અને તેનાથી પણ વધુ રહ્યો છે.
નેપાળમાં પ્રતિ લિટર 98.75 રૂપિયા અને ચીનમાં 94.96 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે બાંગ્લાદેશમાં તો આ ભાવ માત્ર 85 રૂપિયા રહ્યો છે. એ જ રીતે ભૂટાનમાં ભારત કરતાં પેટ્રોલ રૂપિયા 37 સસ્તું થઈ ગયું છે. આમ છતાં ભારતમાં હજુ સુધી કોઈ પ્રકારની રાહત લોકોને આપવામાં આવતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન યુધ્ધને લીધે ક્રૂડનો ભાવ 130 ડોલર સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ તે નીચે ઉતરી ગયો હતો અને ત્યારબાદ 90 ડોલર ભાવ થયો હતો. જો કે પાછલા એક સપ્તાહથી તેના ભાવમાં સતત ઘટાડાનો દૌર ચાલી રહ્યો છે. જેને લીધે દુનિયાભરમાં પેટ્રોલના ભાવ નીચે આવી રહ્યા છે અને લોકોને રાહત મળી રહી છે.
ભારતમાં શા માટે પેટ્રોલ ડીઝલ સસ્તા થતાં નથી તેવો સવાલ પણ ઉઠવા લાગ્યો છે અને દેશમાં અત્યારે પણ સૌથી સસ્તું પેટ્રોલ અંદામાન- નિકોબારમાં મળે છે અને અહીં એક લિટરનો ભાવ રૂપિયા 82.42 છે. અન્ય રાજ્યોમાં ભાવ વધેલા જ છે.