યુપીમાં કેવી થઈ દુર્ઘટના ? વાંચો
કેટલા લોકોના મોત થયા ?
ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. એક ટ્રેક્ટર તળાવમાં ખાબકતાં દુર્ઘટનામાં 22 લોકો મૃત્યુ પામ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. જેમાં 8 બાળકો અને 13 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટનાથી હાહાકાર મચી ગયો હતો. ગામના લોકો અને પોલીસકર્મીઓને ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન યોગી સરકારે મૃતકોના પરિજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવાની સાથે 2-2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી. જ્યારે ઘાયલો માટે 50 હજારના વળતરની જાહેરાત કરાઈ હતી.
એટાના જૈથરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કસા પૂર્વી ગામથી સવારે મહિલાઓ અને બાળકો સહિત 54 લોકો એક ટ્રેક્ટર ટ્રોલીમાં ગંગા સ્નાન માટે નીકળ્યાં હતાં. આ લોકો કાદરગંજ ગંગા ઘાટ ખાતે સ્નાન કરવા જઈ રહ્યા હતા. ટ્રેક્ટરની ટ્રોલીમાં મહિલાઓ સાથે અનેક બાળકો હતા.
કાસગંજના પટિયાલી દરિયાવગંજ માર્ગ નજીક ટ્રેક્ટર ચાલકે કાબુ ગુમાવતા બેકાબૂ ટ્રેક્ટર તળાવમાં ગરકાવ થયું હતું. જેના લીધે ટ્રોલીમાં સવાર 8 બાળકો અને 13 મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા હતા. સમગ્ર ક્ષેત્રમાં શોકનો માહોલ ફેલાયો હતો. સ્થાનિકોએ ઘાયલોને કાઢીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા. શ્રદ્ધાળુઓ એટા જિલ્લાના વતની જણાવાઈ રહ્યા છે. સીએમઓ રાજીવ અગ્રવાલે કહ્યું કે 22 મૃતકોમાં સાત બાળકો અને અન્ય 8 મહિલાઓ સામેલ છે.
માહિતી અનુસાર દુર્ઘટનાને કારણે ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી ખાઈ ગઈ હતી. જેના લીધે મોટી સંખ્યામાં લોકો એકબીજા પર દબાઈ ગયા હતા અને ટ્રેક્ટર ટ્રોલી ઉપર આવી જતાં તેઓનો જીવ બચાવવાનો મોકો મળ્યો નહોતો. મૃતકોની સંખ્યા વધી શકે છે. સ્થિતિ અતિ ગંભીર જણાઈ રહી છે. ચારેકોર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
