નવા વાયરસનો દેશમાં કેવી રીતે થયો પ્રવેશ ? ક્યાં કેટલા કેસ ? જુઓ
ચીનમાં ફેલાયેલા નવા વાયરસ HMPVનો અંતે ગુજરાત સહિત ભારતમાં પણ જોખમી પ્રવેશ સોમવારે થઈ ગયો હતો. કર્ણાટકના બેંગલુરુમા 8 અને 3 મહિનાના બાળકો તથા અમદાવાદમાં એક 2 માસની બાળા સંક્રમિત થઈ હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. ત્યારબાદ ગુજરાત અને કેન્દ્રની સરકાર સતર્ક થઈ ગયા હતા. અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં 2 મહિનાના બાળકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ ચેપ જોવા મળ્યો હતો. ગુજરાત સરકારે સાવધાની રાખવા એડવાઇઝરી બહાર પાડી હતી.
આ વાયરસ આમ તો દુનિયાના અન્ય દેશો ઈંગ્લેન્ડ, હોંગકોંગ અને મલેશિયામાં પણ ફેલાયો છે. જો કે કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા એમ જણાવાયું હતું કે ચિંતાનું કે ગભરાટનું કોઈ કારણ નથી. સરકાર દરેક રીતે તૈયાર છે. આ સામાન્ય શરદી અને શ્વાસનો રોગ છે.
આ પહેલા સોમવારે સવારે કર્ણાટકમાં 3 મહિનાની છોકરી અને 8 મહિનાના છોકરામાં આ વાયરસ જોવા મળ્યો હતો. બંને બાળકોની બેંગલુરુની હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. એમની સારવાર ચાલી રહી છે.

અમદાવાદનું બાળક 5 દિવસ પહેલા વેન્ટિલેટર પર હતું
અમદાવાદમાં 15 દિવસ પહેલા 2 મહિનાના બાળકની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે બાળકને શરદી અને તાવ હતો. શરૂઆતમાં તેમને 5 દિવસ વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યા હતા. ત્યારપછીના પરીક્ષણોમાં વાયરસનો ચેપ જણાયો હતો.
કર્ણાટકમાં બંને કેસ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે બાળકો રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ટેસ્ટ કરાવ્યા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, કર્ણાટકના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી હતી કે બાળકોના નમૂનાઓનું પરીક્ષણ સરકારી લેબમાં નહીં પરંતુ ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
આરોગ્ય મંત્રાલયે કહ્યું, ગભરાશો નહીં, શિયાળામાં શ્વાસના રોગ થાય જ છે
શરદી તાવ આવે તો તરત દવા લેવી, બાકી ચિંતાની કોઈ વાત નથી
આરોગ્ય મંત્રાલયના નેશનલ સેન્ટ્રલ ફોર ડિસીઝ કંટ્રોલના ડાયરેક્ટર ડૉ. અતુલ ગોયલે ચીનમાં એચએમપીવીને લઈને ચિંતા વચ્ચે ભારત માટેના જોખમ વિશે વાત કરતા કહ્યું કે વર્તમાન પરિસ્થિતિથી ગભરાવાની જરૂર નથી. લોકોએ માત્ર સામાન્ય સાવચેતી રાખવાની જરૂર છે. ડૉ. અતુલે વધુમાં કહ્યું, ‘અમે દેશની અંદર શ્વસન સંબંધી રોગોના ડેટાનું વિશ્લેષણ કર્યું છે. 2024ના આંકડામાં આટલો મોટો વધારો નથી. શિયાળા દરમિયાન શ્વસન ચેપના વધુ કેસ છે અને અમારી હોસ્પિટલો આવશ્યક જરૂરિયાતો અને પથારીઓ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
‘હું જાહેર જનતાને સામાન્ય સાવચેતી રાખવા વિનંતી કરવા માંગુ છું, જેનો અર્થ એ છે કે જે લોકોને ખાંસી અને શરદી હોય તેમણે આ રોગનો ફેલાવો અટકાવવા માટે અન્ય લોકો સાથે સંપર્ક ટાળવો જોઈએ અને શરદી અને તાવ માટે સૂચવેલ દવા લેવી જોઈએ અને સામાન્ય દવાઓ લેવી જોઈએ. વર્તમાન પરિસ્થિતિથી ચિંતા કરવાની જરૂર નથી.
શું હોય છે લક્ષણો
કોવિડ જેવા વાયરસના લક્ષણો નાના બાળકો સૌથી વધુ પ્રભાવિત થાય છે
જ્યારે HMPV વાયરસથી ચેપ લાગે છે, ત્યારે દર્દીઓ શરદી અને કોવિડ-19 જેવા લક્ષણો દર્શાવે છે. તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. આમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે.