વડાપ્રધાન મોદીએ હરિયાણામાં કોંગ્રેસ પર કેવો પ્રહાર કર્યો ? વાંચો
હરિયાણાની ચૂંટણીના પ્રચાર અર્થે સોનીપતના ગોહના ખાતે વડાપ્રધાન મોદીએ બુધવારે રેલી સંબોધી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે લોકોએ કોંગ્રેસથી દૂર જ રહેવું જોઈએ નહિતર રાજ્યને બરબાદ કરી દેશે. જે પાર્ટીનું હાઇકમાન્ડ જ ભ્રષ્ટ હોય તો પછી નીચેવાળાને તો ખુલ્લુ લાયસન્સ મળી જ જાય છે. એમણે કહ્યું કે હરિયાણામાં અમારી ત્રીજીવાર સરકાર બનશે તેવો અહીંના લોકોનો ટેકો છે.
જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાના મતદાનનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે આ મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં જમ્મુ-કાશ્મીરમાં જે રીતે મતદાનનો રેકોર્ડ તોડવામાં આવ્યો તે દુનિયાએ પણ જોયું. હું જમ્મુ-કાશ્મીરના લોકોની પ્રશંસા કરું છું.
આ દરમિયાન એમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધીને કહ્યું કે જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ કોંગ્રેસની હાર દેખાઈ રહી છે. હરિયાણામાં ભાજપનું સમર્થન વધી રહ્યું છે. હું ગર્વથી કહું છું કે હું જે પણ છું, તેમાં હરિયાણાનો પણ મોટો ફાળો છે. આજે આખું હરિયાણા ફરી એકવાર ભાજપની સરકાર ઈચ્છી રહ્યું છે. હરિયાણાના વખાણ કરીને કહ્યું કે હરિયાણા તો દેશની મેડલ ફેક્ટરી છે. અહીંના યુવકો અને યુવતીઓ દુનિયામાં રમીને મેડલ લઈ આવે છે. અમે એમની સહાયતા કરી રહ્યા છીએ.
એમણે કહ્યું કે કોંગ્રેસનો રાજવી પરિવાર દેશનો સૌથી ભ્રષ્ટ પરિવાર છે, જો હાઈકમાન્ડ ભ્રષ્ટ હોય તો નીચે લૂંટવાનું ખુલ્લું લાયસન્સ મળી જાય છે. ખેડૂતોની જમીન લૂંટાઈ. જમાઈઓ અને દલાલોને રાજ્ય સોંપી દીધું, તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. હરિયાણામાં કોંગ્રેસ અંદરોઅંદર લડી રહી છે. તેને મત આપવો એટલે રાજ્યના વિકાસને જોખમમાં નાખવા જેવુ છે.
મોદીએ કહ્યું કે આજે ભારતમાં વધુ એક પડકાર છે, જેના પર માત્ર ભાજપ જ વાત કરે છે. આપણા દેશમાં ખેતરોનું કદ પણ સતત ઘટી રહ્યું છે. જેમ જેમ કુટુંબ વધે છે તેમ તેમ જમીન ટુકડાઓમાં વહેંચાતી જાય છે. વસ્તી વધી રહી છે પણ ખેતરો નાના થઈ રહ્યા છે. ખેતી સાથે સંકળાયેલા અર્થશાસ્ત્રીઓનું પણ માનવું છે કે ખેતીની સાથે સાથે આવકના અન્ય સ્ત્રોત પણ હોવા જોઈએ. મોદીએ પોતાની અમેરિકાની મુલાકાતનો ઉલ્લેખ પણ કર્યો હતો