ઉત્તર પ્રદેશના શાહજહાંપુરથી હૈયુ હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ચાર બાળકોની હત્યા કરીને પિતાએ આપઘાત કરી લીધો હતો. આ ઘટના પારિવારિક ઝઘડાના લીધે થઇ છે. પોલીસ સહિત ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. મૃતકોની ઉંમર 10 વર્ષ, 8 વર્ષની બાળકી, 7 અને 5 વર્ષના બાળક સામેલ છે. પોલીસને કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. કારણ અંગે તપાસ શરૂ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પિતાએ પોતાના ચારેય માસૂમ બાળકોનું ગળું કાપીને હત્યા કરી હતી. ત્યારબાદ પોતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે મૃતકોની ડેડબોડીને કબજે કરીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આમ આ ચોંકાવનારી ઘટનાને પગલે ગામમાં ભારે શોક ફેલાયો હતો.
આ ઘટના શાહજહાંપુરના માનપુર ચચરી ગામની છે. ગામમાં રહેતો રાજીવ પોતાના ઘરે એકલો હતો અને તેના ચાર બાળકો (ત્રણ પુત્રીઓ અને એક પુત્ર) પણ ઘરે હતા. મોડી રાત સુધી રાજીવે પોતાની 13 વર્ષની પુત્રી સ્મૃતિ, 9 વર્ષની પુત્રી કીર્તિ, 7 વર્ષની પુત્રી પ્રગતિ અને 5 વર્ષના પુત્ર ઋષભનું ગળું કાપીને નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી.
હત્યાને અંજામ આપ્યા બાદ રાજીવે પોતાને ગળે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેની પત્ની પીયર ગઇ હતી અને તેના પિતા ઘરની બહાર સૂતા હતા. સવારે જ્યારે તેના પિતાએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો તો દરવાજો અંદરથી બંધ હતો, ત્યારબાદ દરવાજો તોડીને અંદર પહોંચ્યા તો ત્યાં આ દૃશ્ય જોઇ પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. તરત જ પોલીસને પણ જાણ કરી દેવાઈ હતી. પોલીસે કારણ અંગે તપાસ શરૂ કરી છે .
