આમાં આગ ક્યાંથી બુઝે! રાજકોટમાં હલકી ગુણવતાના અગ્નિશમન સાધનો બનાવતી ફેક્ટરી ઝડપાઇ
રાજકોટ શહેરના માધાપર અને જામનગર રોડ વિસ્તારમાં ભારતીય માનક બ્યુરોની ટીમે BIS લાઇસન્સ વિના ISI માર્કવાળા અગ્નિ સુરક્ષા ઉપકરણોનું વેચાણ ઝડપી લીધા બાદ શનિવારે શહેરની ગોંડલ ચોકડી નજીકથી ગેરકાયદેસર અગ્નિશમનના સાધનોનું ઉત્પાદન કરતા નંદન ફાયર પ્રોટેક્શન નામની ફેકટરીમાં દરોડો પાડી પાંચેક લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

રાજકોટ ભારતીય માનક બ્યુરોનાં અધિકારીઓએ ગોંડલ ચોકડી વિસ્તારમાં અગ્નિશમનના સાધનોના ઉત્પાદનમાં નિયમનકારી ધોરણોનું ગંભીર ઉલ્લંઘન કરનાર નંદન ફાયર પ્રોટેક્શન ખાતે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન અગ્નિસામક સાધનોના ઉત્પાદનમાં ગેરકાયદે માનક ચિન્હોનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવતા ટીમે લેન્ડિંગ વાલ્વના 49 યુનિટ, નોઝલ સાથે બ્રાન્ચ પાઇપના 100 યુનિટ, 172 થર્મોપ્લાસ્ટિક હોઝ રીલ્સને જપ્ત કર્યા હતા. આ કાર્યવાહી રાજકોટ બ્રાન્ચના સત્યેન્દ્ર કુમાર પાંડે, રાહુલ રાજપૂત અને શુભમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : કોન્ટ્રકટરના પાપે 50 હજારથી વધુ રેશનકાર્ડ ધારકોને ઘઉં-ચોખા ન મળ્યા : રાષ્ટ્રીય અન્ન સલામતી યોજનાની રાજકોટમાં હાંસી ઉડી

