દારૂ કાંડમાં આપના નેતા સંજય સિંહની મુશ્કેલી કેવી રીતે વધી ? વાંચો
દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે ઇડીએ આજે આપના નેતા સંજય સિંહ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. ઇડીની આ ચાર્જશીટ 60 પાનાની છે. ચાર્જશીટમાં સંજય સિંહને આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસમાં અન્ય નેતાઓ પણ ફસાઈ શકે છે.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને દિગ્ગજ નેતા સંજય સિંહની ઓક્ટોબર 2023માં ઇડીએ કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. ત્યારથી સંજય સિંહ તિહાર જેલમાં બંધ છે. તેમણે જામીન માટે રાઉઝ એવેન્યુ કોર્ટ, દિલ્હી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી અરજી દાખલ કરી પરંતુ હજુ સુધી તેમને સફળતા નથી મળી.
દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં આપ નેતા સંજય સિંહની મની લોન્ડરિંગના આરોપમાં ઇડીએ ધરપકડ કરી હતી. 24 નવેમ્બરે રાઉઝ એવન્યુ કોર્ટને જણાવ્યું હતું કે, આ મામલે ટૂંક સમયમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. ઇડીના વકીલની માંગ પર દિલ્હી કોર્ટે સંજય સિંહની કસ્ટડી 4 ડિસેમ્બર સુધી વધારી દીધી. કોર્ટે ઇડીને પૂછ્યું હતું કે ચાર્જશીટ ક્યારે દાખલ કરવામાં આવશે. ઇડીના વકીલે કહ્યું હતું કે 1 અથવા 2 ડિસેમ્બર 2023 સુધીમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. સંજય સિંહની જ્યુડિશિયલ કસ્ટડી તે પ્રમાણે આગળ વધારી શકાય છે. કોર્ટે ઇડીને કહ્યું હતું કે 60 દિવસ પૂરા થવાના છે.