ઉતરાખંડના ઉત્તર કાશીમાં મસ્જિદ તોડી પાડવા હિન્દુ સંગઠનોની માંગણી
મંજૂરી ન હોવા છતાં મહાપંચાયત બોલાવવા મક્કમ
મસ્જિદનું રક્ષણ કરવાની સરકારે કોર્ટમાં ખાતરી આપી
ઉતરાખંડના ઉત્તર કાશીમાં એક મસ્જિદ તોડી પાડવાની માંગણી માટે મળનારી મહાપંચાયતને સરકારે મંજૂરી ન આપી હોવા છતા આરએસએસ સાથે સંલગ્ન સંસ્થા સંયુક્ત સનાતન ધર્મ રક્ષા સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદે એ કાર્યક્રમ ચાલુ રાખવાનો નિર્ધાર જાહેર કરતા તંગદિલી ફેલાઇ છે.
ઉત્તર કાશીની આ મસ્જિદને મામલે જબરો વિવાદ થયો છે. કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલા મસ્જિદ સરકારી જમીન ઉપર ગેરકાયદે ઉભી હોવાનો હિન્દુ સંગઠનોનો આક્ષેપ છે. સામા પક્ષે આ મસ્જિદ વકફ સંપત્તિ હોવાનો અને તે અંગેના પુરાવા હોવાનો મુસ્લિમ પક્ષકારો નો દાવો છે સપ્ટેમ્બર મહિનામાં સંયુક્ત સનાતન ધર્મ રક્ષા સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદે એ મસ્જિદ તોડી પાડવાની ધમકી આપી હતી. બાદમાં પથ્થરમારો અને તોડફોડની ઘટના બની હતી જેમાં પોલીસ કર્મચારીઓ સહિત અને લોકો ઘાયલ થયા હતા.
આ બાબતે અલ્પસંખ્યક રક્ષા સમિતિ નામની સંસ્થાએ અદાલતમાં દાદ માંગી હતી અને મુસ્લિમો સામે થતા નફરત ભર્યા ભાષણો અટકાવવાની તથા મસ્જિદ, મુસ્લિમોની સંપત્તિ અને ભતવારી રોડ પર આવેલ જામા મસ્જિદને રક્ષણ આપવાની માંગણી કરી હતી.
એ કેસની સુનવણી દરમિયાન અદાલતે મસ્જિદ તોડવાની ધમકી કે હેટ સ્પીચ કાયદા દ્વારા સંચાલિત દેશમાં કદી સ્વીકાર્ય બની શકે નહીં તેવી ટિપ્પણી કરી હતી.જવાબમાં ઉત્તરાખંડ સરકારે એ મસ્જિદને પર્યાપ્ત રક્ષણ આપ્યું હોવાની ખાતરી આપી હતી અને સાથે જ મહાપંચાયત માટે મંજૂરી ન આપી હોવાનું જણાવ્યું હતું. જો કે તે પછી પણ હિન્દુ સંગઠનો એ નિર્ધારિત કાર્યક્રમ મુજબ પેલી ડિસેમ્બરે મહાપંચાયત બોલાવવાનો કાર્યક્રમ ચાલુ રાખતા વાતાવરણ તંગ બન્યું છે.
તોફાન અટકાવનાર એસપી ની બદલી
આ મસ્જિદ તોડી પાડવાની માગણી સાથે હિન્દુ સંગઠનો એ ગત મહિને કરેલી રેલી દરમિયાન વહીવટી તંત્રએ મજુર કરેલા માર્ગને બદલે મસ્જિદના માર્ગ તરફ આગળ ધપી રહેલી રેલીને અટકાવનાર એસ.પી અમિત શ્રીવાસ્તવની બદલી કરી દેવામાં આવી હતી. રેલીને અટકાવવામાં આવતા એ સમયે પથ્થર મારો અને તોડફોડની ઘટના બની હતી. એ રેલીમાં બજરંગ દળ, દેવભૂમિ રક્ષા અભિયાન, અન્ય હિન્દુ સંગઠનોના સભ્યો અને વેપારીઓ જોડાયા હતા. તોફાનમાં 30 કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા.