મોરબીમાં ACBની સફળ ટ્રેપ : મામલતદાર કચેરીમાં તલાટી 4 હજારની લાંચ લેતા ACBના છટકામાં સપડાયો
લાંચિયા કર્મચારીઓ-અધિકારીઓ પર એક બાદ એક તવાઈ ઉતારતાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ વધુ એક ભ્રષ્ટ કર્મચારીને સાણસામાં લીધો હતો. એસીબીએ મોરબી સીટી મામલતદાર કચેરીમાં દરોડો પાડી એડવોકેટ પાસેથી ૪,૦૦૦ની લાંચ લેતાં રેવન્યુ તલાટીને દબોચ્યો હતો.
એસીબી-રાજકોટના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ મોરબી એસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.એમ.લાલીવાલાએ મોરબી વેજીટેબલ રોડ પર આવેલી મોરબી સીટી મામલતદાર કચેરી પાસે માધાપર-વજેપર તલાટી મંત્રીની ઓફિસમાં છટકું ગોઠવીને જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા (ઉ.વ.૩૫) નામના રેવન્યુ તલાટી, વર્ગ-૩ને પકડી પાડ્યો હતો. જયદીપસિંહ જાડેજાએ ફરિયાદી એડવોકેટ પાસે અસીલના નામનું ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવી આપવાના બદલામાં ચાર હજારની લાંચ માંગી હતી જે ફરિયાદી આપવા માંગતા ન હોય તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદી દ્વારા અસીલના નામનું ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા માટે પ્રાંત અધિકારી-મોરબીમાં અરજી કરી હતી જે કામ જયદીપસિંહ જાડેજા સંભાળતો હોય તેની દાઢ ડળકી હતી.