રૂપિયા 6 લાખથી 9 લાખની વાર્ષિક આવકવાળા પરિવારને પણ ઘર ખરીદવા સહાય
કેન્દ્ર સરકારે આ વર્ગને એમઆઇજી તરીકે પરિભાષિત કર્યો; સબસિડીનો લાભ અપાશે
પ્રધાન મંત્રી આવાસ યોજના-શહેરી વિસ્તારોમાં મિડલ ક્લાસના લોકોને ઘર ખરીદવા માટે કેન્દ્ર સરકાર મદદ કરશે અને તેના માટે આવકને લઈને નવા માપદંડ નક્કી કરાયા છે. હવે રૂપિયા 6 લાખથી 9 લાખ સુધીની વાર્ષિક આવકવાળા પરિવારોને એમઆઇજી તરીકે પરિભાષિત કરાયા છે.
જેમ સૌથી ઓછી આવકવાળા પરિવારો માટે ઘર ખરીદવા સરકારે સબસિડી આપવાની જાહેરાત કરી છે તેવી રીતે રૂપિયા 6 લાખ થી 9 લાખ સુધીની આવક વર્ગ માટે પણ આ સુવિધા મળશે. 2015 માં પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેર માટે શરૂ થઈ હતી. હવે મિડલ ક્લાસને પણ ઘર ખરીદવા માટે સરકાર સહાયતા કરશે. એમનું વર્ગીકરણ ઉપર મુજબ કરાયું છે.
સરકારે એમ કહ્યું છે કે જેમની આવક મહિને રૂપિયા 50 હજાર છે તેમને પણ ઘર ખરીદવામાં તકલીફ પડે છે માટે આ વર્ગને લાભ આપવા નવી કેટેગરી ઊભી કરાઇ છે. વડાપ્રધાન શહેરી મધ્યમ વર્ગને પણ ઘરનું ઘર આપવા માંગે છે અને આ એમની ફેવરિટ સ્કીમ રહી છે.
સરકારે આ બારામાં માહિતી આપતા કહ્યું હતું કે મિડલ ક્લાસ માટે એમઆઇજી શ્રેણી બનાવાઇ છે. સરકારે આ પહેલા જાહેર કર્યું હતું કે દેશના મધ્યમ વર્ગને ઘર માટે સહાયતા કરવા એક નવી યોજના લાવવામાં આવશે. કેબિનેટે તાજેતરમાં જ આ સ્કીમને મંજૂરી આપી હતી.