પુણેમાં ટેકઓફ થયા બાદ હેલિકોપ્ટર થયું ક્રેશ : બે પાઈલટ સહિત ત્રણ લોકોનાં મોત, જુઓ તસવીરો
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. બુધવારે સવારે અહીં એક હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો હતો. પિંપરી ચિંચવડ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં બે પાયલોટ સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. હેલિકોપ્ટરે ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ નજીકથી ઉડાન ભરી હતી અને થોડી જ વારમાં અકસ્માત થયો હતો.
આ ઘટના સવારે 6.45 વાગ્યે બાવધનમાં કેકે કન્સ્ટ્રક્શન હિલ પાસે બની હતી.પુણેના પિંપરી-ચિંચવડ ડીસીપી વિશાલ ગાયકવાડે જણાવ્યું હતું કે હેલિકોપ્ટર મુંબઈના જુહુ માટે ઓક્સફર્ડ ગોલ્ફ કોર્સના હેલિપેડ પરથી ઉડ્યું હતું. લગભગ 10 મિનિટ પછી હેલિકોપ્ટર 1.5 કિમીના અંતરે ક્રેશ થયું. આ અકસ્માત પહાડી વિસ્તારમાં બન્યો હતો. સવારે ત્યાં ગાઢ ધુમ્મસ હતું. દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી.
પુણેના ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્ર પ્રભાકર પોટફોડેએ જણાવ્યું હતું કે અકસ્માતની માહિતી મળતાની સાથે જ બચાવ કામગીરી માટે બે એમ્બ્યુલન્સ અને ચાર ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હેલિકોપ્ટરના તમામ ભાગો તૂટી ગયા હતા. આગ ભભૂકી રહી હતી.
હેલિકોપ્ટર હેરિટેજ એવિએશન નામની ખાનગી કંપનીનું હતું. પાઈલટ અને એન્જિનિયર બંનેની ઓળખ હજુ સુધી થઈ નથી. ડીસીપી વિશાલે જણાવ્યું કે અકસ્માતનું કારણ હજુ જાણી શકાયું નથી. ડીજીસીએ આ મામલે તપાસ કરશે.
40 દિવસમાં પુણેમાં હેલિકોપ્ટર ક્રેશની બીજી ઘટના
40 દિવસમાં પુણેમાં હેલિકોપ્ટર ક્રેશની બીજી ઘટના છે. આ પહેલા 24 ઓગસ્ટે પુણેના પૌડ વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટર મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું. તેમાં એક પાયલટ અને ત્રણ મુસાફરો હતા. આ અકસ્માતમાં પાયલોટ ઘાયલ થયો હતો. બાકીના ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ ન હતી.
પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે જણાવ્યું હતું કે આ હેલિકોપ્ટર મુંબઈની ગ્લોબલ વેક્ટ્રા હેલિકોપ્ટર કંપનીનું છે. તે AW 139 મોડલનું હતું. ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની આશંકા છે. દુર્ઘટના પાછળ ભારે વરસાદને પણ કારણ માનવામાં આવે છે.