શિવસેનાના નેતાને લેવા આવેલું હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટનો આબાદ બચાવ
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં શિવસેનાના નેતા સુષ્મા અંધારેને જાહેર સભામાં લઇ જવા આવેલું હેલિકોપ્ટર તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સુષ્મા અંધારે હેલિકોપ્ટરમાં સવાર થાય એ પહેલા જ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, અહેવાલ મુજબ પાયલોટ પણ સુરક્ષિત છે. હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
શિવસેના (UBT)ના નેતા સુષ્મા અંધારેને મહાડમાં સભા કરી હતી. રાત પડી હોવાથી તેઓ ત્યાં જ રોકાઈ ગયા હતા. આજે સવારે 9.30 વાગે સુષ્મા અંધારે હેલીકોપ્ટર મારફતે બારામતી તરફ રવાના થવાના હતા. સુષ્મા અંધારે હેલિકોપ્ટરમાં સવાર થાય એ પહેલા હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. સદનસીબે જાનહાની ટળી હતી.
હેલિકોપ્ટર લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, અચાનક હેલીકોપ્ટર પરથી પાયલોટે કાબુ ગુમાવ્યો હતો અને ક્રેશ થયું. પાયલોટ હેલિકોપ્ટરમાંથી કૂદવામાં સફળ રહ્યો અને જેના કારણે તેનો આબાદ બચાવ થયો હતો.