કેદારનાથ ધામમાં હેલિકોપ્ટર દુર્ઘટના : ઇમરજન્સી લેન્ડિંગ સમયે એર એમ્બ્યુલન્સ ક્રેશ, 3 લોકોનો ચમત્કારિક બચાવ
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ફરી એકવાર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. શનિવારે ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં એક ડૉક્ટર સહિત કુલ 3 લોકો સવાર હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, જે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે તે એર એમ્બ્યુલન્સ હતી. સદનસીબે ત્રણેય લોકો સુરક્ષિત રહ્યા હતા. આ એમ્બ્યુલન્સ ઋષિકેશ એઈમ્સની હતી.
હેલિકોપ્ટરનો પાછળનો ભાગ અચાનક તૂટી ગયો
પ્રાપ્ત માહિતી અનુસાર, દર્દીને એર એમ્બ્યુલન્સ દ્વારા કેદારનાથ ધામથી ઋષિકેશ એઈમ્સ લઈ જવામાં આવી રહ્યો હતો. હેલિકોપ્ટરમાં પાઇલટ, દર્દી અને ડૉક્ટર હાજર હતા. હેલિકોપ્ટરનો પાછળનો ભાગ અચાનક તૂટી ગયો, જેના કારણે ઇમરજન્સી લેન્ડિંગ થયું. હેલિકોપ્ટર કેદારનાથ હેલિપેડથી માત્ર 20 મીટર દૂર આ દુર્ઘટના ઘટી હતી જોકે, રાહતની વાત છે કે હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય લોકોનો આબાદ બચાવ થયો છે.
હાલમાં, આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી. જોકે, આવી ઘટનાઓએ ફરી એકવાર કેદારનાથમાં સંચાલિત હેલિકોપ્ટર સેવાઓની સલામતી પર પ્રશ્નો ઉભા કર્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં, કેદારનાથ ધામમાં હેલિકોપ્ટર સેવાઓને લગતી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. તાજેતરમાં, એક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, જ્યારે બીજા હેલિકોપ્ટર ક્રેશના સમાચાર પણ આવ્યા હતા જેમાં 6 લોકોના મોત થયા હતા.
