રાજકોટમાં હાર્ટ એટેકનો કાળમુખો પંજો: IOC ઓફિસર અને મહાપાલિકાના મહિલા સફાઇકર્મી સહિત ચારના મોત
રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રહેતા ચાર લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) ના યુવાન ઓફિસર, રાજકોટ મહાનગરપાલિકાના મહિલા સફાઈ કર્મચારી, ગેસ એજન્સીના કર્મચારી અને મજૂરી કામ કરતા આધેડનો સમાવેશ થાય છે.તમામ અચાનક બેભાન થઈ ગયા હોય જેથી સારવારમાં ખસેડતાં સિવિલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
બનવાની વિગતો મુજબ હ, એરપોર્ટ રોડ પર આવેલી ઇન્કમટેક્સ સોસાયટીમાં રહેતા નૈમિષભાઈ પંકજભાઈ શાહ (ઉ.વ. 34) રાત્રે સૂતા હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા. પરિવારે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો. મૃતક નૈમિષભાઈ ગવરીદડ પાસેના આઇઓસી (IOC) પ્લાન્ટમાં નોકરી કરતા હતા. પરિવારના જણાવ્યા મુજબ, તેમને આંચકીની બીમારી હતી અને સાથે હાર્ટ એટેક આવી જતાં તેમનું અવસાન થયું છે. તેઓ બે ભાઈઓમાં નાના અને અપરિણિત હતા.
બીજા બનવામાં મવડી ચોકડી નજીક વિનાયક નગરમાં રહેતા અને મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મીનાબેન કિશોરભાઈ રાઠોડ (ઉ.વ. 43) સોમવારે સવારે ઘરે એકાએક બેભાન થઈ ગયા હતા. હોસ્પિટલ લઈ જતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મીનાબેનના પતિનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે અને સંતાનમાં તેમને બે પુત્ર તથા બે પુત્રી છે. મીનાબેનને ત્રણ વર્ષથી શ્વાસની બીમારી હોવાનું પરિવારે જણાવ્યું હતું.
ત્રીજા બનાવમાં સીતારામ પાર્કના યુવાનને હાર્ટ એટેક ભરખી ગયો મોરબી રોડ પર સીતારામ પાર્કમાં રહેતા અને ગેસ એજન્સીમાં કામ કરતા રસિકભાઈ નરશીભાઈ ઢેઢી (પટેલ) (ઉ.વ. 47) રાત્રે ઘરે બેભાન થઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડ્યો હતો. મૂળ ટંકારાના સરાયા ગામના વતની એવા રસિકભાઈ પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. હાર્ટ એટેક આવવાને કારણે તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું.
ચોથા બનાવમાં રૈયાધારના આધેડનું પણ સારવાર દરમિયાન મોત રૈયાધાર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા બાવજીભાઈ ગોિંવદભાઈ કારીયા (ઉ.વ. 49) રવિવારે રાત્રે આઠેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. બેભાન હાલતમાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક પાંચ ભાઈઓ અને એક બહેનમાં ત્રીજા નંબરે હતા અને તેમને સંતાનમાં બે પુત્રો છે.
