પોલીસને જ નકલી આઈ કાર્ડ બતાવીને કહ્યું કે પોતે ડેપ્યુટી કલેકટર છે !!
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ઘટના : પોલીસે ખરાઈ કરાવતા ભાંડો ફૂટ્યો : ધરપકડ
નકલી અધિકારી બનીને રોફ જમાવવાના કિસ્સાઓમાં એકનો વધારો થયો છે. અરવલ્લી જિલ્લામાં પહેલા કથિત સિંચાઈ વિભાગની કચેરી મળી હતી ત્યારે હવે એક નકલી એસ.ડી.એમ એટલે કે ડેપ્યુટી કલેકટર મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબાના ઈન્દ્રામ પંથકમાં તપાસ અર્થે પોલીસ પહોંચી હતી જ્યાં આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ એ પોતે રાજ્ય સેવક ન હોવા છતાં, પોતે **SDM (સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ), ડે.કલેક્ટર તરીકેની ઓળખાણ આપી હતી. એટલું જ નહીં બની બેઠેલા નકલી અધિકારીએ તેનું ડુપ્લિકેટ આઈ.કાર્ડ બતાવી જણાવ્યું કે, તે નડીઆદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ 2022 થી રેવન્યુ વિભાગમાં એ.ડી.એમ. તરીકે ફરજ બજાવે છે.
બે મહિના અગાઉ ઈન્દ્રાણ ગામે રાયોટિંગના ગુન્હા અંગે પોલીસ તપાસ અર્થે ગઈ હતી, ત્યારે પ્રકાશ નાઈએ પોતાની ઓળખાણ એસ.ડી.એમ. તરીકે આપી હતી, ત્યારે પોલીસે ખરાઈ માટે દસ્તાવેજ માંગ્યા. આરોપીએ આઈ.કાર્ડ ની નકલ આપી હતી, જેની ખરાઈ કરવા માટે પોલીસે નડીયાદ મોકલી હતી, ત્યારે નડીયાદ જિલ્લા સેવા સદનથી જવાબ આવ્યો કે, પ્રકાશ નાઈ નામનો કોઈ વ્યક્તિ નથી. પોલીસે ખરાઈ કર્યા બાદ આ શખ્સને પકડવાની તજવીજ શરૂ કરી હતી, ત્યારે ગત મોડી સાંજના સુમારે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કાળા કાચવાળી ગાડી આવતા ઉભી રાખતા, નામ પૂછતાં, આરોપીએ પોતાની ઓળખાણ એસ.ડી.એમ. તરીકે આપતા, ભાંડો ફૂટી ગયો હતો.
પોલીસના હાથે ઝડપાયેલા આ શખ્સે રાજ્યના કેટલા વિસ્તારોમાં તેની નકલી ઓળખાણ ડે.કલેક્ટર તરીકેની આપી હશે તે સવાલ છે. એટલું જ નહીં નકલી ડે. કલેક્ટરની ઓળખાણ આપી કેવા કેવા કાર્યો કર્યા હશે તે પણ તપાસનો વિષય છે. હાલ તો સાઠંબા પોલીસે આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ, રહે. ઈન્દ્રાણ, તા.બાયડ. જિલ્લો અરવલ્લી, હાલ રહે. એ.302, સદગુરૂ લેન્ડમાર્ક, નવા નરોડા, અમદાવાદ વિરૂદ્ધ બી.એન.એસ. કલમ 170, 465, 468, 471 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.