બોલિવૂડના પતનમાર્ગના કારણો વિચાર્યા ?? કેમ સાઉથની ફિલ્મોનો સતત સહારો લેવો પડે છે ?? કેમ રિમેક ઉપર રીમેક બનાવવી પડે છે ?
છેલ્લે તમે કઈ હિંદી ફિલ્મ થિયેટરમાં જઈને સપરિવાર જોઈ? છેલ્લે ક્યારે એવું સાંભળ્યું કે આ ફિલ્મની ટિકિટ પણ નથી મળતી? હા, હમણાં ચાલી રહેલી છાવા કે એની પહેલાની એનિમલ સુપરહિટ ગઈ એવું કહી શકાય. પુષ્પા-ટુ સાઉથની ફિલ્મ છે એટલે એ ન ગણાય. હિન્દી ફિલ્મોની સ્થિતિ એવી છે કે વર્ષે – બે વર્ષે એકાદી હિટ જાય છે. ફિલ્મો હિટ જાય એ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સફળતાનો માપદંડ નથી. પણ સારી ફિલ્મો, લોકો પરિવાર સાથે સતત જોવા આવે એવી ફિલ્મો નિયમિતપણે બનતી રહે છે ખરી? કેમ સાઉથની ફિલ્મોનો સતત સહારો લેવો પડે છે? રિમેક ઉપર રીમેક બનાવવી પડે છે? એક ફિલ્મ હિટ જાય એટલે એનો બીજો ભાગ ને ત્રીજો ભાગ ને પાંચમાં છઠ્ઠા ભાગ સુધી પહોંચી જવામાં આવે છે. કેમ? એના કારણો શું હોય શકે?
અત્યારે કયું માધ્યમ સૌથી વધુ જોવાય છે? ઓટીટી ભવિષ્ય છે અને સિનેમાના પાટિયા પડી ગયા છે આ સત્ય હવે આઉટડેટેડ છે. સાઉથનું સિનેમા ચાલે છે અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફિક્કી પડી રહી છે એ પણ ઉપરછેલ્લું સત્ય છે. એમેઝોન, હોટસ્ટાર, નેટફ્લિક્સ, સોની લીવ, ઝી ફાઈવ, શેમારું, એચબીઓ, હુલુ જેવા ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ તેની પરાકાષ્ઠાએ પહોંચી ગયા છે અને ત્યાંથી હવે તેની અવનતિનો માર્ગ સુરેખ દિશામાં નીચે તરફ ઢળી રહ્યો છે. સિનેમા સ્ક્રીન ખાલી રહે છે. થિયેટરોમાં ફૂટફોલ સતત ઘટી રહ્યા છે. દિવાળી હોય કે નાતાલ, હાઉસફૂલના પાટિયા વણવપરાયેલા રહે છે. મોટા મોટા ઓટીટી પ્લેટફોર્મના સબ્સ્ક્રાઇબર્સ ઘટી રહ્યા છે. એમેઝોન કે નેટફ્લિક્સ જેવા વૈશ્વિક પ્લેટફોર્મ તેનો કર્મચારી ગણ ઘટાડી રહ્યા છે કારણ કે તે બધા ધીમે ધીમે ભીંસમાં આવી રહ્યા છે. બોલીવુડ કહેવાતી મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે દક્ષિણ ભારતની તમિલ – તેલુગુ – કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય બધે પ્રગતિનો સૂચકાંક સ્થિર થઈ ગયો છે અથવા તો અધોગતિ દર્શાવી રહ્યો છે. 2025 હોય કે 2025 એક પણ માધ્યમ માટે ‘કેકવોક’ સાબિત થવાનું નથી. આવનારા વર્ષો પોતાની પ્રગતિ માટે નહી પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેના સંઘર્ષના વર્ષો તરીકે દરેક મનોરંજન માધ્યમ માટે સાબિત થશે. જો સિનેમા સ્ક્રીન પણ ચાલતા ન હોય અને ઓટીટી માધ્યમો પણ મંદ થઈ ગયા હોય તો ચાલે છે શું? હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ સ્થિતિ થવાનું કારણ શું છે?
અભિનેતા જોન અબ્રાહમે હિન્દી સિનેમાના સાથી કલાકારો પ્રત્યે હમણાં જ અસંતોષ વ્યક્ત કર્યો અને તેના કારણ દર્શાવતા કહ્યું કે મોટા સુપરસ્ટારો મોંઘી ફી અને અતિશય ખર્ચ દ્વારા “ફિલ્મ સિસ્ટમને શોષી રહ્યા છે”. અગાઉ, ફિલ્મ નિર્માતાઓ કરણ જોહર અને ફરાહ ખાને પણ કલાકારોની ટીમના વધતા ખર્ચ વિશે વાત કરી હતી. હવે, જ્હોને ચાલી રહેલી ચર્ચામાં પોતાનું નામ ઉમેર્યું છે અને હિન્દી ફિલ્મ ઉદ્યોગના કલાકારોને આ પ્રથાઓ પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે.
ધ હોલીવુડ રિપોર્ટર ઈન્ડિયા સાથેની વાતચીતમાં, જ્હોનને “હીરો પ્રતિ ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયા માંગે છે અને તેમના સ્ટાઈલિસ્ટ દરરોજ ૨ લાખ રૂપિયા માંગે છે” પર ટિપ્પણી કરવાનું કહેવામાં આવ્યું, જેના પર તેમણે પરિસ્થિતિને “માનસિક” ગણાવી. તેમણે વિગતવાર જણાવ્યું, “તે હિન્દી સિનેમાને નુકસાન પહોંચાડી રહ્યું છે. હાલમાં આપણે ફિલ્મોમાં કામ કરવા માટે લોકોને આટલા બધા પૈસા ન આપવા જોઈએ કારણ કે આપણે મોટા બજેટ અને મોટી ફીને યોગ્ય ઠેરવતા નથી. આપણે ફિલ્મ રિલીઝ થયા પછી કલાકારોનો ખર્ચ પણ કાઢી શકતા નથી. આ સ્થિતિ હાસ્યાસ્પદ છે. મને ખબર નથી કે કલાકારો આ રીતે વિચારી રહ્યા છે કે તેમના એજન્ટ તેમને અલગ રીતે વિચારવા માટે મજબૂર કરી રહ્યા છે. હું તે જગ્યા સમજી શકતો નથી. હું સમજું છું કે તમે એક પરપોટામાં મુકાઈ ગયા છો, પરંતુ તમે એટલા મૂર્ખ ન બની શકો. તમારે બહાર નીકળીને વાસ્તવિક દુનિયા જોવાની જરૂર છે. જો લોકો તમને કોઈ નશામાં રાખતા હો તો તમારે ઊઠી જઈને ચા પીને આંખો ઉઘાડવાની જરૂર છે. એક ઉદ્યોગ તરીકે, આપણે ખરેખર પીડાઈ રહ્યા છીએ.” જ્હોનના આ શબ્દો સટિક છે.
આ અભિનેતાએ આ મુદ્દાને ઉકેલવા માટે તેના સાથીઓએ શું કરવું જોઈએ તે અંગે પણ પોતાના વિચારો શેર કર્યા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “અભિનેતાઓએ સ્વીકારવું જોઈએ કે આપણે ઊંડા અંધકારમાં છીએ, અને કલાકારોએ આત્મમંથન કરીને ફિલ્મમાં સુયોગ્ય રીતે કામ કરવું જોઈએ. કલાકારોએ કહેવું જોઈએ કે જો ફિલ્મો નફો કરે છે, તો અમે પણ નફો કરીએ છીએ કારણ કે અમે કરોડો કમાયા છીએ. તમે સિસ્ટમને કેટલું વધુ નુકસાન પહોંચાડશો? પરંતુ તેમ છતાં, તમે એક હાથે તાળી પાડી શકતા નથી. એવા નિર્માતાઓ છે જે આટલી મોટી રકમ ચૂકવવા તૈયાર છે.”
હિન્દી સિનેમામાં કલાકારોની ફી અને ફિલ્મ બજેટમાં વધારા અંગે ચર્ચા વર્ષોથી ચાલી રહી છે. જો કે, તાજેતરમાં બોક્સ ઓફિસ પર ઘણી મોટા બજેટની ફિલ્મોના નબળા પ્રદર્શન બાદ આ મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે સ્ટાર્સના પગાર બોક્સ ઓફિસના નફા કરતાં વધી જાય છે ત્યારે પ્રોડ્યુસર જ સહન કરતો હોય છે. પછી એ પ્રોડ્યુસર બીજી વખત કોઈ સારી ફિલ્મમાં પૈસા રોકશે ખરો?
હિન્દી સિનેમાના બોક્સ ઓફિસ પરફોર્મન્સમાં ઘટાડો ચિંતાનો વિષય છે, સુપરસ્ટાર ધરાવતી ફિલ્મો પણ ફિલ્મના પ્રોડક્શન વેલ્યુની બ્રેક – ઈવાન મોમેન્ટ માટે સંઘર્ષ કરી રહી છે. અક્ષય કુમાર, રણબીર કપૂર અને સલમાન ખાન જેવા ટોચના કલાકારોની ફિલ્મોને અણધારી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોમાં પ્રશ્નો ઉભા થયા છે કે શું કલાકારો દ્વારા લેવામાં આવતી અતિશય ફી શું યોગ્ય છે ખરી? આના કારણે ઇન્ડસ્ટ્રી ટકી રહેશે કે પડી ભાંગશે?
ઉદાહરણ તરીકે, 2023 માં એક અગ્રણી સુપરસ્ટાર અભિનીત એક મોટી બ્લોકબસ્ટર ફિલ્મનું બજેટ ₹300 કરોડ હોવાનું કહેવાય છે, જેમાંથી ₹150 કરોડ ફક્ત મુખ્ય અભિનેતાના મહેનતાણું માટે ફાળવવામાં આવ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ ગઈ અને તેના ટોટલ ખર્ચનો અડધો ભાગ જ વસૂલ કરી શકી. કલાકારોનું મહેનતાણું અને વાસ્તવિક બજારમાંથી ફિલ્મને મળતા વળતર વચ્ચેનું આ અસંતુલન જ આખા ફિલ્મ ઉદ્યોગ માટે જોખમી છે.
કલાકારોની ફી ઉપરાંત, પ્રોડક્શન બજેટ પર બીજો એક નાણાકીય બોજ છે: એન્ટોરેજ કલ્ચર. એ-લિસ્ટર્સ તેમના અંગત સહાયકો, મેનેજરો, મેકઅપ આર્ટિસ્ટ, ટ્રેનર્સ, સ્ટાઈલિસ્ટ અને અંગત શેફ સાથે મુસાફરી કરે છે – આ બધાનો ખર્ચ આખરે નિર્માતાઓએ ચૂકવવો પડે છે. ગયા વર્ષે ઉદ્યોગની ચર્ચા દરમિયાન, કરણ જોહરે દુઃખ વ્યક્ત કર્યું હતું કે કેટલાક કલાકારો અતિશય ફી વસૂલ કરે છે અને પછી નિર્માતાઓ પાસેથી વધારાના ખર્ચની અપેક્ષા રાખે છે, જેના કારણે ફિલ્મોનું બજેટ હદઉપરાંત વધી જાય છે.
ફરાહ ખાને પણ આવી જ લાગણીઓ વ્યક્ત કરી અને આજના કલાકારો કેવી રીતે અવાસ્તવિક સુવિધાઓ માંગે છે તે વિશે વાત કરી: “મને એક સમય યાદ છે જ્યારે કલાકારો એક વેનિટી વાનથી ખુશ હતા. હવે તેમને પાંચ વેનિટી વાન જોઈએ છે, તેમની ટીમના દરેક સભ્ય માટે એક!” આ તો ખરેખર ચોંકાવનારી બાબત છે.
દક્ષિણ ભારતીય સિનેમાનો સ્માર્ટ અભિગમ
રસપ્રદ વાત એ છે કે, જ્યારે બોલીવુડ વધતા બજેટ અને ઘટતા નફાના પડકાર સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે દક્ષિણ ભારતીય સિનેમા એક આદર્શ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. રજનીકાંત, વિજય અને મહેશ બાબુ જેવા મોટા સ્ટાર્સે મોટી અપફ્રન્ટ ફી માંગવાને બદલે ફિલ્મના નફામાં હિસ્સો સામેલ કરવા માટે તેમની ફીઝની ચૂકવણીનું સરસ માળખું ગોઠવ્યું છે. આ મોડેલ માત્ર ફિલ્મને આર્થિક રીતે સધ્ધર રાખવાની ખાતરી જ નથી આપતું, પરંતુ અભિનેતાની સફળતાને ફિલ્મના વાસ્તવિક પ્રદર્શન સાથે સાંકળીને બધા માટે વિન – વિન સ્થિતિનું નિર્માણ કરે છે.
તેલુગુ અને તમિલ ફિલ્મ ઉદ્યોગોએ પણ દર્શાવ્યું છે કે નિયંત્રિત ઉત્પાદન બજેટ અને વ્યૂહાત્મક રોકાણો કેવી રીતે મોટો નફો મેળવી શકે છે. પુષ્પા: ધ રાઇઝ, આરઆરઆર અને જેલરની સફળતા આ સંતુલિત અભિગમનો પુરાવો છે, જ્યાં પ્રતિભા અને વ્યવસાયિક કુશળતા એકબીજાના સમાંતર છે.
સુધારા માટે આહ્વાન: શું બોલીવુડ અનુકૂલન સાધી શકે છે?
આ ટીકા નથી પણ સમીક્ષા છે અને આ ટીકા – ટિપ્પણી એ કંઈ ઇન્ડસ્ટ્રી ઉપર હુમલો નથી, તે હિન્દી સિનેમા માટે ચેતવણી છે. જો બોલીવુડને પોતાનો ગઢ પાછો મેળવવો હોય, તો કલાકારોએ તેમના અભિગમ પર ફરીથી વિચાર કરવો પડશે. બિઝનેસ બેઝ્ડ મોડલ અપનાવવું પડશે. કલાકારોનો ખર્ચ ઘટાડવો અને ફિલ્મના નાણાકીય પરિણામ માટે જવાબદારી લેવી એ સ્વસ્થ ઇકોસિસ્ટમ તરફના પ્રથમ પગલાં હોઈ શકે છે.
ફિલ્મ ઉદ્યોગ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, આવક – જાવક વચ્ચે સંતુલન જરૂરી છે. ફિલ્મ ઉદ્યોગ જો આ રીતે બિનજરૂરી ખર્ચાઓ કરશે તો પ્રોડક્શન સારું નહીં થાય કે સારી ફિલ્મો બનતી બંધ થઈ જશે. વાસ્તવિક પ્રશ્ન એ છે કે: શું બોલીવુડ સ્ટાર્સ ફિલ્મ ઉદ્યોગના અસ્તિત્વ માટે તેમની અતિશય ભારે માંગણીઓ છોડી દેવા તૈયાર થશે ખરા?