RMCના કેલેન્ડર છપાવવામાં કૌભાંડ થયું છે ? કમિટી કરશે તપાસ, કેલેન્ડરની ક્વોલિટી-વિતરણ સહિતના મુદ્દે ચકાસણી
રાજકોટ મહાપાલિકા દ્વારા દર વર્ષે નિયમિત કરવેરો ભરપાઈ કરનાર કરદાતાઓને ઘેરબેઠા કેલેન્ડરનું વિતરણ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કેલેન્ડર જાણે કે વિવાદનું કેન્દ્ર બની ગયા હોય તેવી રીતે કોઈ પણ પ્રકારના ટેન્ડર વગર જ 1.75 કરોડ જેટલી માતબર રકમ ચૂકવી દેવાઈ હોવાના આક્ષેપો બળવત્તર બનતાં આખરે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાઆ આ મુદ્દાની તપાસ કરવા માટે કમિટીની રચના કરી હોવાનું જાહેર કર્યું હતું.
મ્યુ.કમિશનરે જણાવ્યું કે કેલેન્ડર છપાવવામાં કોઈ પ્રકારની ગેરરીતિ થઈ છે કે કેમ તેની તપાસ કરવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના નેજા હેઠળ કમિટી બનાવવામાં આવે છે. આ કમિટી દ્વારા ઑર્ડર પ્રમાણે જ કેલેન્ડર છપાયા છે કે કેમ, તમામ કેલેન્ડરનું વિતરણ થયું છે કે કેમ, કેલેન્ડરની ક્વોલિટી કેવી છે તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવશે.
આ ઉપરાંત તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેલેન્ડર છપાવવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરવામાં આવી નથી. કેલેન્ડર છપાવવાના ખર્ચનું જે બિલ મંજૂર કર્યું છે તે પણ તેમની સાઈનથી જ થયું હોવાનું ઉમેર્યું હતું કેમ કે નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થઈ રહ્યું હોય 31 માર્ચ પહેલાં રકમ ચૂકવવાની હોવાથી બિલ ચૂકવાયું હતું.
