શું ચાઇનીઝ લશ્કરે દિલ્હીની જેટલી જમીન લદાખમાં હડપી લીધી છે ? રાહુલ ગાંધીએ શું કર્યો દાવો ?
વિપક્ષના નેતા તરીકે તેમની તાજેતરની યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત દરમિયાનકોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબમાં બોલ્ડ દાવો કર્યો. તેમણે કહ્યું કે ચીનેલદ્દાખમાં 4,000 ચોરસ કિલોમીટર ભારતીય જમીન પર કબજો કરી લીધો છે જે દિલ્હીના એરિયા જેટલો વિસ્તાર ગણાય.
રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને સંભાળવાની રીતની ટીકા કરતા કહ્યું કે જો આટલી જમીન પર ચીની સૈનિકોએ કબજો જમાવ્યો હોય તો તે સરહદી મુદ્દાને સંભાળવામાં મોટી નિષ્ફળતા કહેવાય. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આટલો મોટો વિસ્તાર ગુમાવવો કોઈ પણ દેશને કેવી રીતે પોસાય?
સંઘર્ષની પૃષ્ઠભૂમિ
ભારત અને ચીન વચ્ચે 2020 થી લદ્દાખ સરહદ પર તંગદિલી છે, જ્યારે બંને દેશોના સૈનિકો વચ્ચેગલવાન ખીણમાં અથડામણ થઇ હતી. બંને દેશોના સૈન્ય કમાન્ડરો વચ્ચે અનેક મંત્રણાઓ છતાં, ડેપસાંગ અને ડેમચોક જેવા મહત્ત્વના સ્થળો પર મડાગાંઠ ને વાટાઘાટો ચાલુ છે.
મોદીના અભિગમની રાહુલની ટીકા
આ મુદ્દાને હાઈલાઈટ કરવા માટે પીએમ મોદીની ટીકા કરતા રાહુલે કહ્યું કે કોઈ પણ નેતાએ પોતાની ધરતી પર વિદેશી સૈનિકોની હાજરી સાંખી લેવાય નહિ. તેમણે ચીન અને યુ.એસ. સાથે ભારતના સંબંધો માટે લાંબા ગાળાની વ્યૂહાત્મક યોજનાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત, લોકશાહી અને શાંતિના મૂલ્યો પર બનેલો દેશ હોવાને કારણે આવા
સંઘર્ષોને સંબોધતી વખતે અમુક સિદ્ધાંતો પર સાચા રહેવું જોઈએ.આ પહેલીવાર નથી જ્યારે રાહુલે આ દાવો કર્યો હોય. ઓગસ્ટ 2023માં લદ્દાખની મુલાકાત દરમિયાન, તેમણે વડા પ્રધાન પર સરહદ પરની પરિસ્થિતિ વિશે સત્ય ન કહેવાનો આરોપ લગાવ્યો હતો.
સરકાર શું કહે છે ?
રાહુલના દાવાને સરકારે વારંવાર નકારી કાઢ્યો છે. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બીડી મિશ્રાએ કહ્યું કેઆ આરોપમાં કોઈ સત્ય નથી અને ચીને કોઈ જમીન લીધી નથી. તેમણે ખાતરી આપી હતી કે ભારતીય દળો આ વિસ્તાર પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે અને કોઈપણ ખતરા માટે તૈયાર છે. ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ દાવાને નકારી કાઢ્યો હતો. અમિત શાહે તો ચીન સાથેના 1962ના સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં કોઈ જમીન ગુમાવી નથી.
વિદેશ પ્રધાન એસ જયશંકરે સરહદ પર તણાવની વાત સ્વીકારી હતી પરંતુ પુષ્ટિ કરી હતી કે કોઈ વિસ્તાર પર ચીને કબજો જમાવ્યો નથી. તેમણે કહ્યું કે પરિસ્થિતિ હજુ પણ પડકારજનક છે, પરંતુ
ભારતીય સેના સંપૂર્ણ રીતે સાવધ છે અને ગંભીર પરિસ્થિતિ સંભાળી લેશે. સરકારની ખાતરી હોવા છતાં, વિવિધ સ્ત્રોતોના અહેવાલો સૂચવે છે કે ભારતે લદ્દાખ સરહદના કેટલાક વિસ્તારોમાં પ્રવેશ ગુમાવ્યો છે. 2023 ના અહેવાલમાં સંકેત આપવામાં આવ્યો હતો કે ભારતીય સેના હવે પૂર્વી લદ્દાખમાં 26 સ્થળોએ પેટ્રોલિંગ કરી શકશે નહીં. વધુમાં, એક યુ.એસ. સંરક્ષણ વિભાગના અહેવાલમાં નોંધાયું છે કે ચીને સરહદ પર લશ્કરી માળખાકીય
સુવિધાઓનું નિર્માણ કરવાનું ચાલુ રાખ્યું છે, જેનાથી આ ક્ષેત્રમાં લાંબા ગાળાની સ્થિરતા અંગે ચિંતા વધી છે. ટૂંકમાં, ચીન એ માઈગ્રેન જેવો માથાનો દુખાવો છે. નેહરુ સરકાર હોય કે મોદી સરકાર, કોઈ પણ એનું સંપૂર્ણ નિરાકરણ લાવી શકી નથી.