પાકિસ્તાન શું સુધરી ગયું ? મંદિરો માટે કેટલા કરોડ ખર્ચવાની યોજના ? જુઓ
સારા કામની અપેક્ષા પાકિસ્તાન પાસેથી રાખવી પોતાની જાતને મૂર્ખ બનાવવા જેવુ હોય છે પણ એક અહેવાલ એવા બહાર આવ્યા છે કે વિશ્વાસ કરવો પડે એમ છે . પાકિસ્તાન સરકારે દેશમાં મંદિરો અને ગુરૂદ્વારાના જીર્ણોદ્વાર અને સૌંદર્યકરણ માટે રૂ. 30 કરોડ (એક અબજ પાકિસ્તાની રૂપિયા) ખર્ચ કરવાની તૈયારી દર્શાવી છે. જેના માટે તેણે એક માસ્ટર પ્લાન પણ તૈયાર કર્યો છે. આ નિર્ણય (ઈવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ)ની બેઠકમાં શનિવારે ટ્રસ્ટના ચેરમેન સૈયદ અતા ઉર રહેમાનના નેતૃત્વ હેઠળ લેવામાં આવ્યો હતો.
રહેમાને જણાવ્યું હતું કે, માસ્ટર પ્લાન હેઠળ મંદિરો અને ગુરૂદ્વારાઓના જીર્ણોદ્વાર કરવામાં આવશે. તેને સુંદર બનાવવા માટે રિનોવેશન કામગીરી પણ હાથ ધરાશે. જેના એક અબજ પાકિસ્તાની રૂપિયા એટલે કે રૂ. 30 કરોડ ફાળવ્યા છે.
રહેમાને જણાવ્યું હતું કે, ‘લઘુમતીઓના ધાર્મિક સ્થળો, પૂજા સ્થળોની જાળવણી પાછળ મોટાપાયે ખર્ચ થઈ રહ્યો છે. જેના માટે બોર્ડને આ વર્ષે 30 કરોડ મળ્યા છે.’ બેઠકમાં દેશભરમાંથી હિન્દુઓ અને શીખ સમુદાયોના સભ્યો ઉપરાંત સરકારી અને ખાનગી સેક્ટરના સભ્યો પણ ઉપસ્થિત હતાં.]
વિકાસ યોજનામાં સંશોધનની આવશ્યકતા વિશે જાણકારી આપતાં બોર્ડ સચિવ ફરિદ ઈકબાલે જણાવ્યું કે, ‘વિભાગની આવક વધારવાના ઉદ્દેશ સાથે યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે ટ્રસ્ટની સંપત્તિઓના વિકાસ માટે રજૂઆત થઈ છે. લાંબા સમયથી ઉપયોગમાં ન લીધેલી જમીનોના વિકાસ માટે ફંડ ફાળવવાથી વિભાગની આવક અનેકગણી વધશે. બેઠકમાં વિવિધ મંદિરો અને ગુરૂદ્વારાઓના વિકાસ અને જીર્ણોદ્વાર કાર્યો ઉપરાંત કરતારપુર કોરિડોર માટે સંચાલકીય કામગીરી માટે એક પ્રોજેક્ટ ડિરેક્ટરની નિમણૂકનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.’