સરકાર ધર્મનિરપેક્ષ હોવી જોઈએ: નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રીએ પાર્ટી લાઈનથી અલગ રાગ આલાપ્યો
પક્ષપલટુ આયાતી નેતાઓ અને કાર્યકરો ભાજપનો ‘ પાક ‘ બગાડી રહ્યા હોવાની ચેતવણી આપી
ભારતીય જનતા પક્ષની સત્તાવાર પાર્ટી લાઈનથી અલગ મત આપવા માટે પંકાયેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એક વખત ‘ ચીટીયો ‘ભર્યો હતો. તેમણે ધર્મનિરપેક્ષતા પ્રત્યે સરકારની ફરજ તેમજ ભાજપમાં પક્ષપલટુઓના આગમન સહિતના મુદ્દે પાર્ટીને અકળામણ થાય તેવા નિવેદનો આપ્યા હતા.
એક ચેનલ સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે ભારત ધર્મનિરપેક્ષ બંધારણ ધરાવે છે. સરકાર ધર્મ નિરપેક્ષ હોય તે જરૂરી છે. તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ ધર્મ નિરપેક્ષ ન હોઈ શકે પણ રાજ્ય,સરકાર અને પ્રશાસન ધર્મનિરપેક્ષ હોવું જોઈએ.
તેમણે આ વાત ત્યારે કહી જ્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે અને યોગી થી મોદી સહિતના ભાજપના નેતાઓ ‘બટોગે તો કટોગે’ ના સૂત્રો દ્વારા હિન્દુ એકતાનું આહવન કરી રહ્યા છે ત્યારે જ ગડકરીએ ધર્મનિરપેક્ષતાની જરૂરિયાતનો મુદ્દો ઉછાળયો તેને ખૂબ સૂચક માનવામાં આવે છે.
ગડકરીએ ભાજપમાં પક્ષપલટો કરી અને જોડાનારા અન્ય પક્ષના નેતાઓ તથા કાર્યકરોને કારણે પક્ષને નુકસાન થઈ રહ્યું હોવાની ચેતવણી પણ આપી હતી.
તેમણે ખેતરોમાં ઉગતા પાકમાં થતી બીમારીનું ઉદાહરણ આપી અને કહ્યું કે ભાજપનો ‘ પાક ‘ ખૂબ મોટો થઈ ગયો છે. ખેતરમાં પાક મોટો થાય તેમ બીમારી વધે છે અને ત્યારે જંતુનાશક દવાનો છટકાવ કરવાની જરૂર પડે છે.
તેમણે કહ્યું કે ભાજપના ‘ પાક ‘ માં પણ બીમારી આવી ગઈ છે. અનાજની સાથે કેટલીક બીમારીઓ આવી રહી છે. આવી બીમારીઓના નાશ માટે જંતુનાશક દવાના છટકાવવાની જરૂર છે.
તેમણે ઉમેર્યું કે વિવિધ પક્ષો માંથી લોકો અલગ અલગ કારણોસર ભાજપમાં આવતા હોય છે. તેમને પ્રશિક્ષિત કરવા જોઈએ. તેમને પક્ષની વિચારધારા અને સંસ્કૃતિથી માહિતગાર કરવાની આપણી જવાબદારી છે.
મહારાષ્ટ્રના પ્રચારમાં અત્યારે મારી જરૂર નથી
નીતિન ગડકરી નાગપુરના સાંસદ છે. આરએસએસ નું વડુમથક પણ નાગપુર છે. પણ મહારાષ્ટ્રનઆ ચૂંટણી પ્રચારમાં તેમની ભૂમિકા ખૂબ સીમિત હોવાનું ચિત્ર ઉપસ્યું છે. એ સંદર્ભે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં મારી કોઈ ઓપચારિક ભૂમિકા નથી. મહારાષ્ટ્રનું નેતૃત્વ સક્ષમ છે. તેમને અત્યારે મારી જરૂર નથી પણ જ્યારે પણ મારી મદદની જરૂર હશે તો હું સેવા માટે ઉપલબ્ધ છું.