ઇસ્કોનના સાધુની જામીન અરજી રદ થયા બાદ ચિત્તાગોંગ કોર્ટમાં સરકારી વકીલની હત્યા
બાંગ્લાદેશના તટીય શહેર ચિત્તાગોંગની અદાલતમાં ઇસ્કોનના સાધુ અને હિન્દુ જાગરણ જ્યોત નામની સંસ્થાના નેતા
ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની જામીન અરજી ના મંજૂર થયા બાદ અદાલત પરિસરમાં થયેલા તોફાનો દરમિયાન
35 વર્ષના સૈફુલ ઇસ્લામ આલીફ નામના પબ્લિક પ્રોસિપ્યુટરની હત્યા થતાં મામલો ગંભીર બની ગયો છે.
પોલીસે આ હત્યા બારામાં 33 લોકોની ધરપકડ કરી હતી.
સાધુ ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની પોલીસે સોમવારે ઢાકાના એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી હતી. તેમની સામે દેશદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો. મંગળવારે તેમને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે તેમની જામીન આરજી ફગાવી દઈ જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો. અદાલતના એ ચુકાદાને પગલે અદાલત પરિસરમાં હાજર હિંદુ સમુદાયના લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. લોકોએ સૂત્રોચારો કર્યા હતા. સાધુ ચિન્મયને લઈ જતી પોલીસવાનને ટોળાએ ઘેરી લીધી હતી. એ દરમિયાન ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જનો આશરો લીધો હતો.
આ ધમાલ દરમિયાન આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર સૈફૂલ આલીફ ઉપર હુમલો થતા તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબો એ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. વકીલોએ અદાલત પરિસરમાં ધરણા કર્યા હતા અને બુધવારે હડતાલનું એલાન આપ્યું હતું. ચિત્તાગોંગ લોયર્સ એસોસિએશનના પ્રમુખ નિઝામુદ્દીન ચૌધરીએ ટોળાએ ભોગ બનનાર વકીલને તેમની ચેમ્બરમાંથી બહાર ઘસડી અને મારી નાખ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજા એક વકીલ મહમદ હસને પોલીસ અને ટોળા વચ્ચેની બ્રાહ્મણ દરમિયાન વકીલ ઉપર તીક્ષ્ણા હથિયાર વડે હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું. આ બનાવ બાદ પોલીસે 33 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી. તેમાંથી પાંચ લોકો વિડીયો ફૂટેજમાં નજરે પડતા હોવાનું જણાવવામાં આવ્યું છે. કોર્ટ પરિસરમાં તોડફોડ તેમજ પોલીસ ઉપર હુમલા બારામાં પણ વધુ 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એ ઉપરાંત પોલીસે હવાની લીગની વિદ્યાર્થી પાંખના છ સભ્યોની ક્રુડ બોમ્બ સાથે ધરપકડ કરી હતી.
બુધવારે ભોગ બનેલા વકીલની અંતિમયાત્રા અને પ્રાર્થના સભામાં ટોચના રાજકારણીઓ, મેયર અને વકીલો સહિત હજારો લોકો જોડાયા હતા. વક્તાઓએ વકીલની હત્યા માટે જવાબદાર લોકોની સત્વરે ધરપકડ કરી કડકમાં કડક સજા આપવા માગણી કરી હતી.
ઇસ્કોન ઉપર પ્રતિબંધ મૂકવા અદાલતમાં માંગણી
બાંગ્લાદેશના એક વકીલે ઇસ્કોન ઉપર બાંગ્લાદેશમાં પ્રતિબંધ લાદવાની માગણી કરતી હાઇકોર્ટમાં અરજી કરી હતી. વકીલે તેમાં ચિતાગોંગની કોર્ટમાં થયેલી હત્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. હાઇકોર્ટે સરકાર પાસેથી ઇસ્કોનની વિગતો અને બાંગ્લાદેશમાં તેની સ્થાપના કઈ રીતે થઈ તેનો જવાબ માગ્યો હતો. તેના પ્રતિયોદર રૂપે એટર્ની જનરલ એમડી અસદુઝખાને ઇસ્કોનને ધાર્મિક સંસ્થા ગણાવી હતી અને તેની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. અદાલતે આ સંસ્થા અંગે સરકારના વલણ અને બાંગ્લાદેશમાં કાયદો વ્યવસ્થા ની સ્થિતિ અંગે શુક્રવાર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો.