Google Mapsએ ફરી દગો આપ્યો !! દરોડો પાડવા ગયેલી પોલીસની ટીમ આસામને બદલે નાગાલેન્ડ પહોંચી, સ્થાનિકોએ બંધક બનાવ્યા
ગૂગલ મેપ આજે ખૂબ જ મહત્વ ધરાવતી એપ્લિકેશન બની ગઈ છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ દરેક રસ્તાને જાણતો નથી ત્યારે ગૂગલ મેપ જ તેને રસ્તો બતાવે છે. કોઈ પણ જગ્યાએ પહોંચવું હોય ગૂગલ મેપમાં એડ્રેસ નાખ્યા બાદ તે જ લોકોને લોકેશન અને ડાયરેક્શન બતાવે છે. ત્યારે ઘણીવાર ગૂગલ મેપ જોખમ પણ સાબિત થઈ શકે છે. આસામ પોલીસ સાથે પણ આવી જ ઘટના જોવા મળી છે. આસામ પોલીસની 16 સભ્યોની ટીમ દરોડા દરમિયાન અજાણતા નાગાલેન્ડના મોકોકચુંગ જિલ્લામાં પહોંચી ગઈ હતી, જેના પગલે સ્થાનિક લોકોએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો, તેમને ગુનેગાર સમજીને તેમને રાતોરાત બંધક બનાવ્યા હતા. એક પોલીસ અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી.
ગૂગલ મેપ એ આસામ પોલીસને નાગાલૅન્ડ પહોંચાડી
એક અધિકારીએ બુધવારે જણાવ્યું કે, આસામ પોલીસની 16 સદસ્યની ટીમ દરોડા દરમિયાન ગૂગલ મેપ દ્વારા બતાવવામાં આવી રહેલા રૂટને ફોલો કરતાં અજાણતામાં નાગાલૅન્ડના મોકોકચુંગ જિલ્લામાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન સ્થાનિક લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો અને તેમને રાતભર બંધક બનાવી રાખ્યા હતા કારણ કે આ સ્થાનિક લોકો પોલીસની ટીમને બદમાશ સમજી ગયા હતા. આસામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ‘આ ઘટના મંગળવારે રાત્રે બની જ્યારે જોરહાટ જિલ્લા પોલીસની એક ટીમ એક આરોપીને પકડવા માટે દરોડા પાડી રહી હતી.’
નાગાલૅન્ડના લોકોએ આસામ પોલીસને બંધક બનાવ્યા
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ‘આ એક ચાના બગીચાનો વિસ્તાર હતો, જેને ગૂગલ મેપ પર આસામમાં બતાવવામાં આવ્યું છે. જોકે, હકીકતમાં આ વિસ્તાર નાગાલૅન્ડની સરહદમાં હતો. GPS પર ભ્રમના કારણે ટીમ ગુનેગારની શોધમાં નાગાલૅન્ડની અંદર ઘૂસી ગઈ હતી. સ્થાનિક લોકોએ આસામ પોલીસની ટીમને કેટલાક બદમાશો આધુનિક હથિયારો લઈને આવ્યા હોવાનું સમજી ગયા અને તેમની અટકાયત કરી લીધી અને તેમના પર હુમલો કરી દીધો હતો. 16 પોલીસ કર્મચારીઓમાંથી માત્ર ત્રણ જ કર્મચારીઓ વર્દીમાં હતા અને બાકીના સાદા કપડામાં હતા. તેથી સ્થાનિક લોકોને શંકા ગઈ અને તેમણે ટીમ પર હુમલો કરી દીધો. આ હુમલામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થઈ ગયો હતો.’
નાગાલૅન્ડમાં પ્રતિકૂળ સ્થિતિની સૂચના મળતાં જ જોરહાટ પોલીસે તાત્કાલિક મોકોકચુંગના પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો. ત્યારબાદ તેમણે આસામ પોલીસ કર્મચારીઓને બચાવવા માટે એક ટીમ ઘટના સ્થળ પર મોકલી. ત્યારબાદ સ્થાનિક લોકોને ખ્યાલ આવ્યો કે, આ આસામની વાસ્તવિક પોલીસ ટીમ હતી અને પછી તેમણે ઘાયલ કર્મચારી સહિત પાંચ સભ્યોને છોડી મૂક્યા. જોકે, તેમણે રાતભર 11 લોકોને બંધક બનાવી રાખ્યા અને પછી સવારે તેમને મુક્ત કરી દીધા.