અલવિદા વિસ્તારા !! આજે છેલ્લી વખત ઉડાન ભરશે વિસ્તારા એરલાઇન્સના વિમાન, જાણો હવે કોણ કમાન સંભાળશે ?
એર ઈન્ડિયા સાથે મર્જરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિસ્તારા એરલાઈનના વિમાન સોમવારે છેલ્લી વખત ઉડાન ભરશે. એર ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે વિસ્તારા જેવી જ પ્રોડક્ટ અને સર્વિસનો અનુભવ લોકોને મળતો રહેશે. બદલાવમાં મદદ કરવા માટે એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક કિઓસ્કની સ્થાપના કરવામાં આવશે.
વિસ્તારાના 1.15 લાખ મુસાફરો એર ઈન્ડિયામાં મુસાફરી કરશે
વિસ્તારાના વિમાનો આવતીકાલથી આકાશમાં ઉડતા જોવા નહીં મળે, તે 12મી નવેમ્બરે એર ઈન્ડિયા સાથે મર્જ થવા જઈ રહ્યું છે અને ત્યારબાદ એર ઈન્ડિયા તેનું સંચાલન કરશે. આજે આ એરલાઇન પોતાની છેલ્લી ફ્લાઇટ પોતાના નામે ઉડાવશે. મર્જર પછી, સિંગાપોર એરલાઇન્સને સંયુક્ત સાહસમાં નવી સંકલિત એરલાઇનમાં 25.1 ટકા હિસ્સો મળશે. આ મર્જર પછી, વિસ્તારા એર ટિકિટ ધરાવતા 1,15,000 થી વધુ મુસાફરો પ્રથમ મહિનામાં એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ પર મુસાફરી કરશે. કંપનીએ કહ્યું છે કે મુસાફરોને વિસ્તારા જેવો જ અનુભવ થશે.
2022 માં મર્જરની જાહેરાત કરવામાં આવી હતી
એર ઈન્ડિયા-વિસ્તારા મર્જરની જાહેરાત નવેમ્બર 29, 2022ના રોજ કરવામાં આવી હતી અને તેની અંતિમ તારીખ 12 નવેમ્બર નક્કી કરવામાં આવી હતી, જે આવતીકાલે છે. ખાસ વાત એ છે કે બંને એરલાઈન્સના મર્જર બાદ સિંગાપોર એરલાઈન્સ એર ઈન્ડિયામાં 3195 કરોડ રૂપિયાનું વધારાનું રોકાણ કરશે, જેના કારણે તેની પાસે એર ઈન્ડિયામાં 25.1 ટકા હિસ્સો હશે. તમને જણાવી દઈએ કે વિસ્તારા એરલાઈન્સની શરૂઆત ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સ દ્વારા 2015માં સંયુક્ત રીતે કરવામાં આવી હતી અને જેમાં સિંગાપોર એરલાઈન્સનો 49% હિસ્સો હતો, જ્યારે ટાટા ગ્રુપ પાસે 51% હિસ્સો હતો.
નવા કોડ સાથે વિમાનો ઉડશે
વિસ્તારા આજે તેની છેલ્લી ફ્લાઇટનું સંચાલન કરશે અને એર ઇન્ડિયા સાથે મર્જર થયા પછી, એરલાઇન હવે ‘2’ થી શરૂ થતા ફ્લાઇટ કોડ સાથે કામ કરતી જોવા મળશે, ઉદાહરણ તરીકે, AI 2955 કોડ હવે UK 955 ફ્લાઇટ માટે ઉપયોગમાં લેવાશે. આ ફેરફાર પછી, કામગીરી સરળતાથી ચાલુ રહે અને મુસાફરોને કોઈ અસુવિધાનો સામનો કરવો ન પડે. આ માટે એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક કિઓસ્ક લગાવવામાં આવશે.
વિસ્તારાએ પોસ્ટમાં માહિતી શેર કરી
વિસ્તારા એરલાઈન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (હવે X) દ્વારા એક પોસ્ટ દ્વારા તેના ગ્રાહકોને અપડેટ માહિતી આપી છે કે, ‘ક્લબ વિસ્તારાએ એર ઈન્ડિયા ફ્લાઈંગ રિટર્ન્સ સાથે હાથ મિલાવીને મહારાજા ક્લબ બનવાનું નક્કી કર્યું છે. કૃપા કરીને નોંધો કે નવા સાઇન-અપ્સ સહિત તમારા એકાઉન્ટની ઍક્સેસ ઉપલબ્ધ રહેશે નહીં. તમે 12મી નવેમ્બરથી http://airindia.com પર તમારું એકાઉન્ટ એક્સેસ કરી શકશો, આભાર.