ગોંડલ : ‘મકાન વેચવાનું છે’નું બોર્ડ ફાયરિંગ સુધી લઈ ગયું, 50 લાખ પણ ગુમાવવા પડ્યા !
- પત્નીના નામનું મકાન વેચવા કાઢ્યું’ને ખેડૂતને થયો ચાર ગઠિયાનો ભેટોઃ છ રાઉન્ડ ફાયરિંગ કરી ઠગે કહ્યું, `હવે જમીન-મકાન પાછું લેવા આવશો તો આ બંદૂક તમારી સગી નહીં થાય’
ગોંડલના ભોજરાજપરામાં રહેતાં ખેડૂતે પોતાની પત્નીના નામનું મકાન વેચવા કાઢ્યું હોય `આ મકાન વેચવાનું છે’ તેવું બોર્ડ લગાવતાં જ તેને ચાર ગઠિયાનો ભેટો થઈ ગયો અને વાત ફાયરિંગ સુધી પહોંચી ગઈ સાથે સાથે ખેડૂતે 50 લાખ રૂપિયા પણ ગુમાવવા પડ્યા હતા !
આ અંગે ભોજરાજપરામાં તક્ષશીલા સોસાયટીમાં શ્રી યમુના કૃપા શેરી નં.3માં રહેતા મહેશભાઈ છગનભાઈ કોટડિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ભોજરાજપરામાં જ તેમના પત્નીના નામનું 66 વારનું મકાન વેચવાનું હોય મકાન ઉપર વેચવા માટેનું બોર્ડ લગાવ્યું હતું. આ બોર્ડ વાંચીને વીરપુરનો કરણ ઠુંગા મહેશભાઈ પાસે આવ્યો હતો અને મકાન વેચવા બાબતે વાતચીત કરી હતી. આ વેળાએ કરણ સાથે દિવ્યેશ ભીમશીભાઈ બારડ (રહે.જૂનાગઢ) પણ સાથે હતો. આ વેળાએ કરણ અને દિવ્યેશે મહેશભાઈને એમ કહ્યું હતું કે તેમની પાસે એક પાર્ટી છે જે મોણપર ગામે પ્રતાપ જીલુભાઈ ધાધલની જમીન ખરીદવા માંગે છે. જો કે આ જમીન પટેલની હોય તો જ પાર્ટી ખરીદવા માંગતી હોય આપણે એ જમીન 20 લાખ પ્રતિ વિઘા લેખે પાંચ કરોડમાં ખરીદી 28 લાખ પ્રતિ વિઘા લેખે પાર્ટીને વેચી દેશું.
આ રીતે પ્રતિ વિઘાલેખે મળનારા આઠ લાખ કરણ અને દિવ્યેશ રાખશે અને મહેશભાઈને તેમના મકાનની કિંમત 1.20 કરોડ ચૂકવી દેશે. એકંદરે 25 વિઘા જમીન મહેશભાઈની છે તેવું પાર્ટીને કહેવાનું હોવાની વાત મહેશભાઈએ સ્વીકારી લીધી હતી. આ પછી બધા પ્રતાપ ધાધલની વાડીએ ગયા હતા અને જમીનનો સોદો કર્યો હતો અને બાનાપેટે અઢી લાખની રકમ રૂપેશ શાત્તાકભાઈ નાંઢા (રહે.સુરત) કે જેને આ જમીન 28 લાખમાં વેચવાની હતી તેની પાસેથી લઈને પ્રતાપને આપ્યા હતા. આ પછી રૂપેશે મહેશભાઈને કહ્યું હતું કે હું જ્યારે ગોંડલ આવું ત્યારે મને સાટાખત કરી આપશો એટલે હું તમને બાનાપેટે ચાર કરોડ પૂરા આપી દઈશ.
આ પછી પ્રતાપને એક કરોડ રૂપિયા ચૂકવવાનું નક્કી થયું હતું જેમાંથી 50 લાખ દિવ્યેશ અને 50 લાખ મહેશભાઈએ પ્રતાપ ધાધલને ચૂકવ્યા હતા. આ રકમ ચૂકવાઈ ગયા બાદ ઘણો લાંબો સમય વીતી જતાં સોદાની કોઈ જ વાત આગળ વધી ન્હોતી. અધૂરામાં પૂરું રૂપેશે એમ કહી દીધું હતું કે મારી પાસે જે પૈસા હતા તે રોકાઈ ગયા છે અને પૈસાની વ્યવસ્થા થશે ત્યારે આવીશ. આ ગઠિયાગેંગે મહેશભાઈના મકાનનો સાટાખત પણ ભરાવી લીધો હતો. આ અંગે દિવ્યેશ અને કરણે પણ જવાબ આપવાનું ટાળતાં મહેશભાઈ અને તેમનો પુત્ર પ્રતાપ ધાધલ પાસે દોડી ગયા હતા જ્યાં જઈને જમીનનો સોદો રદ કરવાનું કહેતાં પ્રતાપ ધાંધલ ઉશ્કેરાઈ ગયો હતો અને હવામાં છ રાઉન્ડ ફાયરિંગ કરતાં કહ્યું કે અહીં દીપડા આવે છે એટલે ફાયરિંગ કર્યું છે પરંતુ જો હવે તમે પૈસા કે જમીન લેવા આવશો તો આ બંદૂક તમારી સગી નહીં થાય અને તમારા ઉપર પણ ફૂટશે ! આમ વીરપુરના કરણ ઠુંગા, જૂનાગઢના દિવ્યેશ ભીમશીભાઈ બારડ, પ્રતાપ ધાધલ અને સુરતના રૂપેશ નાંઢાએ મળીને મહેશભાઈની 50 લાખની રોકડ, મકાન સહિતનું પચાવી પાડ્યાની ફરિયાદ નોંધાઈ હતી.