ATMમાં ‘કળા’ કરી ગઠિયાએ ૨૮,૦૦૦ ઉપાડી લીધા
માથે જતાં ફરિયાદ પણ કરી કે પૈસા નથી મળ્યા !
છેતરપિંડી કરવા માટે લોકો અવનવા કીમિયા અખત્યાર કરતા હોય છે ત્યારે આવી જ એક ઘટના બનવા પામી છે. શહેરના ભક્તિનગર વિસ્તારમાં નાગરિક બેન્ક ચોક પાસે શ્યામ બિલ્ડિંગમાં આવેલા કેનેરા બેન્કના એટીએમમાં ગઠિયાએ કળા કરીને ૨૮,૦૦૦ રૂપિયા ઉપાડી લીધા બાદ પોતાને પૈસા નહીં મળ્યા હોવાની ફરિયાદ પણ કરી હોવાનું ખુલ્યું છે. પોલીસે આ ગઠિયા સામે બેન્ક મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
આ અંગે બેન્ક મેનેજર અક્ષય અવધેશકુમાર આનંદ (ઉ.વ.૩૪)એ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તા.૧૩-૮-૨૦૨૪ના એક શખ્સ સવારે સાતેક વાગ્યે બેન્કના એટીએમમાં આવ્યો હતો. તેણે ખીસ્સામાંથી એટીએમ કાઢી પૈસા ઉપાડવાનું શરૂ કર્યું હતું. આ પછી તેણે આજુબાજુમાં જોઈને ખીસ્સામાંથી એક ચાવી જેવી વસ્તુ કાઢી એટીએમના મોનિટર ઉપર તેને લગાવી મોનીટર ખોલી નાખ્યું હતું. આ પછી મોનિટરની સ્વીચ બંધ કરી ફરીથી મોનિટરની સ્ક્રીમ ફીટ કરી પૈસા ઉપાડી ચાલ્યો ગયો હતો.
આ અંગે કશીક ગોલમાલ થઈ હોવાનું લાગતાં સીસીટીવી ચેક કરવામાં આવતાં આ શખ્સે તા.૧૧-૮-૨૦૨૪, તા.૧૩-૮-૨૦૨૪ અને તા.૧૫-૮-૨૦૨૪ એમ ત્રણ વખતના મળી ૨૮,૦૦૦ રૂપિયા ઉપાડી લીધા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જો કે આ માટે તેણે અલગ-અલગ એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. એકંદરે ૧૧-૮-૨૦૨૪ના તેણે ૯૦૦૦ રૂપિયા ઉપાડી લીધા હોવા છતાં તેને મળ્યા જ નથી તેવી ફરિયાદ કરી હતી તેના આધારે બેન્ક દ્વારા તપાસ કરાતાં પૈસા શખ્સને મળી ગયાનું ધ્યાન પર આવ્યું હતું.