રાજકોટમાં EDના નામે કારખાનેદારને ડિજિટલ અરેસ્ટ કરનાર ટોળકી પકડાઈ : ધમકાવીને રૂ.5.35 લાખ પડાવ્યા’તા
રાજ્યમાં ડિજીટલ અરેસ્ટના કિસ્સામાં વધારો થઈ રહ્યો હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા દરેક ટેલિકોમ કંપનીને આ ક્રાઈમથી જાગૃતિ લાવે તેવી કોલરટ્યુન સેટ કરવાનો આદેશ અપાતાં જ દરેક ફોન ઉપર અત્યારે આ ટ્યુન સંભળાઈ રહી છે. પરંતુ અલગ-અલગ માધ્યમો થકી જાહેરાતો કરવા છતાં તેની કોઈ જ અસર થઈ રહી ન હોય તે રીતે ડિજીટલ અરેસ્ટ અટકવાનું નામ લઈ રહ્યું નથી. ત્યારે રાજકોટના એક કારખાનેદારને ઈડીના નામે ફોન કરી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમની પાસેથી રૂ.૫.૩૫ લાખ પડાવવામાં આવ્યા હતા.જે મામલે સાયબર પોલીસે તપાસ હાથધરીને ફ્રોડ કરનાર ટોળકીના પાંચ શખ્સોની ધરપકડ કરી છે.
આ અંગે સત્યસાંઈ હોસ્પિટલ રોડ પર પ્રદ્યુમન પાર્ક શેરી નં.૪માં રહેતા અને કાસ્ટિંગની ભઠ્ઠી ધરાવતાં પ્રવીણ ધીરજભાઈ ઉંધાડ (ઉ.વ.૪૭)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત ૨૯ જાન્યુઆરીએ તેઓ પોતાના કારખાને હતા ત્યારે સવારે ૯:૫૪ વાગ્યે અજાણ્યા નંબર ઉપરથી વૉટસએપ કોલ આવ્યો હતો જે ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ ઈડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર નિરજ કુમાર તરીકે આપી હતી. આ પછી તેણે એમ કહ્યું હતું કે પ્રવીણ ઉંધાડના નામે ઈશ્યુ થયેલા સીમકાર્ડ મારફતે કેનેરા બેન્કમાં ખાતું ખોલાવીને તેમાં નાણાકીય હેરાફેરી કરવામાં આવી છે જેને ઈડીએ પકડી પાડ્યો છે. આ પછી એક વ્યક્તિનો ફોટો પણ મોકલ્યો હતો જેને પ્રવીણ ઉંધાડ ઓળખતાં ન હોવાનું કહ્યું હતું.
જો કે કથિત આસિ.ડાયરેક્ટરે પ્રવીણ ઉંધાડને ડરાવ્યા હતા અને વૉટસએપ પર તેમના ફોટા સાથેનું ડિજીટલ અરેસ્ટ વોરંટ મોકલ્યું હતું. આ જોઈને પ્રવીણ ઉંધાડ ગભરાઈ ગયા હતા અને ફોન કરનાર વ્યક્તિ જેમ કહે તેમ કરવા તૈયારી દર્શાવી હતી. આ પછી ફોન કરનારે પ્રવીણના ખાતામાં રહેલા તમામ પૈસાનું વેરિફિકેશન કરવા માટે ૫.૩૫ લાખની રકમ આરટીસીએજ કરવા જણાવ્યું હતું સાથે સાથે કોઈને વાત ન કરવા ધમકી આપી હતી. ત્યારબાદ પ્રવીણ ઉંધાડ કારખાનેથી નીકળી ઘેર આવ્યા હતા અને ચેકબુક લઈ રાજનગર ચોકમાં આવેલી બેન્કમાં જઈને ૫.૩૫ લાખનું આરટીસીએજ ફોન કરનારના કહ્યા મુજબ કરી આપ્યું હતું. આ બધું પત્યા પછી તેઓ રૂમમાં એકલા બેસી રહ્યા હતા. થોડી વાર બાદ એક મહિલાનો ફોન આવ્યો હતો જેણે એકાઉન્ટનું વેરિફિકેશન થઈ ગયું હોવાથી થશેડી વારમાં ૫.૩૫ લાખનું પેમેન્ટ ખાતામાં જમા થઈ જશે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. જો કે પૈસા પરત ન આવતાં પ્રવીણ ઉંધાડે મીત્ર સંજય કોરાટને વાત કરતાં છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.
આ મામલે તપાસ હાથ ધરી રાજકોટ સાયબર સેલના પીઆઇ આર.જી. પઢિયાર સહિતે ગુનો નોંધી અમદાવાદના અજય રમેશભાઇ, પ્રકાશ અર્જુનભાઈ, વિષ્ણુ બનવારીલાલ, અંકિત મણાભાઇ અને કુલદીપ અજમેરસીંગ સહિતને ઉઠાવી લઇ પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે વેપારીના ખાતામાંથી જે પૈસા ટ્રાન્સફર થયા તે આ લોકોના ખાતામાં થયા હતા અને આ લોકો દ્વારા પૈસા બેંકમાંથી ઉઠાવી અલગ રાજ્યમાં આંગડિયા મારફત મોકલી આપ્યા હતા. જેથી પોલીસે તેઓની ધરપકડ કરી છે. અને વધુ પૂછપરછ માટે રિમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી છે.