આજથી રાજકોટમાં એક જ નામ…દેવા શ્રી ગણેશા, દેવા શ્રી ગણેશા…
સુખકર્તા દુખહર્તા વાર્તા વિઘ્નાચી, નૂર્વી પૂર્વી પ્રેમ કૃપા જયાચી…
૩૩૧ સ્થળે નાના-મોટા ગણેશોત્સવ, દરેક ઘરમાં ગણપતિ દાદાનું સ્થાપન
સૌથી વધુ ૪૪ આયોજન ભક્તિનગર વિસ્તારમાં ત્યારબાદ માલવિયાનગરમાં ૪૨ સ્થળે
એક દિવસથી લઈ અગિયાર દિવસ સુધી થશે ગણપતિ દાદા બીરાજશે
તહેવારોની મોસમ ખીલશે પૂરબહાર, ગણપતિદાદા લાવશે રાજકોટમાં ખુશીઓની બહાર
નાના બાળકથી લઈ અબાલવૃદ્ધ સૌ કોઈના પ્રિય ભગવાન એવા ગણપતિદાદાનું આજથી રાજકોટ સહિત દેશભરમાં વાજતે-ગાજતે આગમન થવાનું છે. સુખોના કર્તા અને દુ:ખના હર્તા એવા ગણપતિ દાદા આજથી અગિયાર દિવસ સુધી બિરાજમાન થવાના છે ત્યારે તેમની ભક્તિમાં લીન થવા માટે રંગીલું રાજકોટ થનગની રહ્યું છે. આજથી રાજકોટમાં શેરીએ-ગલીએ એક જ નામ સાંભળવા મળશે અને તે નામ `દેવા શ્રી ગણેશા, દેવા શ્રી ગણેશા’નું જ હશે…
રાજકોટમાં આ વખતે અલગ-અલગ ૩૩૧ સ્થળે નાના-મોટા ગણેશોત્સવ યોજાશે. આ માટે દરેક પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી જેને મંજૂરી આપવામાં આવી હતી. આ વખતે સૌથી વધુ ૪૪ આયોજન ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં થઈ રહ્યા છે અને ત્યારબાદ માલવિયાનગર પોલીસ મથક આવે છે જ્યાં ૪૨ જગ્યાએ ગણેશોત્સવનું આયોજન થઈ રહ્યું છે.
એકંદરે આજથી એક દિવસથી લઈ અગિયાર દિવસ સુધી ગણપતિ દાદા બિરાજશે. ઉપરોક્ત ૩૩૧ સ્થળ ઉપરાંત ઘર-ઓફિસ સહિતના સ્થળે ગણપતિ દાદાની સ્થાપના પણ એટલા જ પ્રમાણમાં થશે. એકંદરે રાજકોટ આજથી ગણપતિમય બની જશે અને સવાર-સાંજ પંડાલોમાં ગણપતિજીની ભક્તિમાં લીન થઈ જશે.
ગણેશોત્સવના પર્વથી તહેવારોની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠશે એટલે લોકો આ વર્ષે ગણપતિ દાદા રાજકોટમાં ખુશીઓની લહેર લાવે તેવી પ્રાર્થના પણ કરશે. રાજકોટમાં આ વખતે મેઘરાજા મન મુકીને વરસ્યા છે એટલા માટે આગામી તહેવારો પણ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થાય તેવી કામના સાથે આજે લોકો ગણેશજીનું પૂજન-અર્ચન કરશે.
બોક્સ-ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલનો ફોટો મુકવો
મુખ્ય રસ્તે બેરિકેડિંગ કરાવાશે, વધુ ભીડ એકઠી ન થાય તે માટે વારંવાર સુચના અપાશે: ડીસીપી ડૉ.પાર્થરાજસિંહ
આજથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગત વર્ષે સર્વેશ્વર ચોકમાં ગણેશોત્સવ દરમિયાન સ્લેબ તૂટી પડવાની ઘટના બની હતી. આ દૂર્ઘટના ચોકમાં વધુ પડતાં લોકો એકઠા થઈ જવાને કારણે બની હોય ત્યારે આ વખતે એવું ન બને તે માટે પોલીસ દ્વારા અત્યારથી જ તૈયારી કરી લેવામાં આવી છે. આ અંગે ડીસીપી ક્રાઈમ-સ્પેશ્યલ બ્રાન્ચ ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મુખ્ય રસ્તે ગણેશોત્સવનું આયોજન થશે ત્યાં બેરિકેડિંગ કરાવવામાં આવશે. આ ઉપરાંત દર વખતની જેમ આ વખતે પણ બંદોબસ્ત મુકાશે સાથે સાથે વધુ સંખ્યામાં લોકો એકઠા ન થઈ જાય તે માટે આયોજકો દ્વારા વારંવાર એનાઉન્સમેન્ટ પણ કરાવવામાં આવશે. આ ઉપરાંત તકેદારીના તમામ પગલાં ઉઠાવવામાં આવશે.
કયા પોલીસ સ્ટેશનમાં કેટલી અરજી
પોલીસ મથક અરજી
એ-ડિવિઝન ૧૮
બી-ડિવિઝન ૪૨
ભક્તિનગર ૪૪
ગાંધીગ્રામ ૩૩
તાલુકા ૨૦
કૂવાડવા ૧૧
પ્ર.નગર ૩૫
થોરાળા ૨૪
માલવિયાનગર ૪૨
એરપોર્ટ ૫
યુનિવર્સિટી ૩૬
આજીડેમ ૨૧
આટલી જગ્યાએ જ મૂર્તિનું વિસર્જન કરી શકાશે
- આજી ડેમ ઓવર ફ્લો નીચે ચેક ડેમ પાસે ખાણ નં.૧
- આજી ડેમ ઓવર ફ્લો નીચે ચેક ડેમ પાસે ખાણ નં.૨
- આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમ
- પાળ ગામ, જખરાપીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ
- ન્યારાના પાટિયા પાસે ન્યારા રોડ, ખાણમાં જામનગર રોડ
- બાલાજી વેફર્સની સામે, વાગુદળ પાટિયા પછીના પુલ નીચે કાલાવડ રોડ
- એચ.પી.ના પેટ્રોલ પંપ સામે, રવિવારી બજારવાળું ગ્રાઉન્ડ આજી ડેમ પાસે