આજથી આદર્શ આચાર સહિતા: પ્રધાનોની લાલ ગાડી બંધ, અનેક પ્રકારના પ્રતિબંધો
નવી જાહેરાતો, નવા વચનો નહીં આપી શકાય
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આજે બપોરે ત્રણ વાગ્યે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે અને એ સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતા નો અમલ લાગુ થઈ જશે. તેના અમલ સાથે જ અનેક પ્રકારના પ્રતિબંધો પણ લાગુ થશે.
આજથી પ્રધાનો કે અન્ય સત્તાધીશો નવી નાણાકીય ગ્રાન્ટ ની જાહેરાત નહીં કરી શકે. કોઈ નવા વચન પણ નહીં આપી શકાય. નવા પ્રોજેક્ટો કે યોજનાઓના શીલાન્યાસ કે ભૂમિ પૂજન નહીં કરી શકાય.
ચૂંટણીની તારીખ જાહેર થઈ ગયા બાદ નવા રસ્તા બનાવવાની, જળ સુવિધા આપવાની વિગેરે જાહેરાતો નહીં કરી શકાય. સાથે જ સરકારી ખાતાઓમાં કે જાહેર એકમોમાં મતદારોને પ્રભાવિત કરી શકે તેવી હંગામી નિમણૂકો કરવાની પણ મનાઇ છે.
આદર્શ આચાર સંહિતાના નિયમો દ્વારા પ્રચાર કાર્ય માટે સરકારી વાહનો, સરકારી મશીનરી કે સરકારી કર્મચારીઓના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સતાધારી પક્ષ સરકારી વિમાનો, વાહનો કે ટ્રાન્સપોર્ટ સર્વિસ નો ઉપયોગ નહીં કરી શકે. સભાઓ યોજવા માટે મેદાનો તેમજ ફ્લાઇટ માટે હેલીપેડ ની સુવિધા તમામ રાજકીય પક્ષોને સમાન ધોરણે આપવાની રહેશે.
સરકારી રેસ્ટ હાઉસ, સર્કિટ હાઉસ, સરકારી બંગલાઓ કે અન્ય સરકારી વસાહતોના ઉપયોગમાં સતાધારી પક્ષની મોનોપોલીનો પણ આચાર સહિતા દરમિયાન હંગામી ધોરણે અંત આવશે. આવી સરકારી મિલકતોમાં રાજકીય પક્ષની બેઠકો કે પ્રચાર ને લગતા એક પણ કાર્ય નહીં કરી શકાય. આચાર સંહિતાના નિયમોના બદલ ભારતિય દંડ સહીતા 1860, ધી કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973 અને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1973 અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે. આચાર સંહિતા ભંગ કરનાર રાજકીય પક્ષની માન્યતા રદ કરવાનો અધિકાર પણ ચૂંટણી પંચને છે
સરકારી જાહેરાતો આપવા પર પ્રતિબંધ
આચાર સહિતા દરમિયાન પ્રજાના ખર્ચે અખબારો કે અન્ય એક પણ પ્રસાર માધ્યમોમાં જાહેર ખબરો નહીં આપી શકાય. સરકાર સંચાલિત પ્રસાર માધ્યમોમાં પણ સરકારની સિદ્ધિઓ વર્ણવતા રાજકીય સમાચારો તેમજ એ પ્રકારની ઘોષણા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.