હવેથી અમેરિકાના H-1B વિઝાની વાર્ષિક ફી 88 લાખ રૂપિયા : નવી નીતિ ભારત માટે પડકારરૂપ, જાણો શું છે શું છે H-1B વિઝા?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા કાર્યક્રમમાં મોટો ફેરફાર કરતો નિર્ણય જાહેર કર્યો છે. શુક્રવારે સહી કરાયેલા એક જાહેરનામા મુજબ, હવે H-1B વિઝા માટે કંપનીઓએ દર વર્ષે 1 લાખ ડોલર (અંદાજે 88 લાખ રૂપિયા)ની ફી ચૂકવવી પડશે. આ નિર્ણયની સૌથી મોટી અસર ભારતીય વ્યાવસાયિકો પર પડશે, કારણ કે H-1B વિઝાના મોટાભાગના લાભાર્થીઓ ભારતીયો છે. ખર્ચમાં અસહ્ય વધારો લાવતી આ નવી નીતિ ભારતીય ટેક પ્રોફેશનલ્સ અને અમેરિકન ટેક કંપનીઓ માટે મોટો પડકાર બની શકે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે આ નિર્ણયનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે અમેરિકામાં આવતા કર્મચારીઓ “ખરેખર ઉચ્ચ કૌશલ્ય ધરાવતા” હોય અને તેઓ અમેરિકન કામદારોની નોકરીઓ ન છીનવે.
આ પણ વાંચો : પતિ રોજ રાત્રે પુરુષ મિત્રો સાથે વીડિયો કોલમાં…પત્નીએ પતિની ‘દોસ્તાના’ જેવી હરકતનો વિરોધ કર્યો’તો કર્યું આવું કૃત્ય
અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે આ નીતિની જાહેરાત કરતાં કહ્યું, “કંપનીઓએ હવે દરેક H-1B વિઝા માટે વાર્ષિક 1 લાખ ડોલર ચૂકવવા પડશે. અમે મોટી કંપનીઓ સાથે વાત કરી છે અને તેઓ આની સાથે છે.” લુટનિકે ઉમેર્યું કે આ નીતિનો ઉદ્દેશ અમેરિકન યુનિવર્સિટીઓના સ્નાતકોને પ્રાથમિકતા આપવાનો છે. તેમણે કહ્યું, “જો તમારે કોઈને તાલીમ આપવી હોય, તો અમારી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંથી સ્નાતક થયેલા અમેરિકનોને તાલીમ આપો. વિદેશીઓને લાવીને અમારી નોકરીઓ લેવાનું બંધ કરો.”
1990માં શરૂ થયેલા H-1B પ્રોગ્રામમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો ફેરફાર ગણાય છે. હાલમાં, H-1B વિઝા અરજદારો લોટરીમાં ભાગ લેવા માટે નજીવી ફી ચૂકવે છે અને જો પસંદગી થાય તો, કેસના આધારે થોડી હજાર ડોલરની વધારાની ફી ચૂકવવી પડે છે. મોટાભાગે આ ખર્ચ કંપનીઓ ઉઠાવે છે.
નવી નીતિ ભારત માટે પડકારરૂપ
H-1B વિઝા પ્રોગ્રામનો સૌથી વધુ ઉપયોગ અમેરિકન ટેક્નોલોજી કંપનીઓ દ્વારા વિજ્ઞાન, ઇજનેરી અને ગણિતના ક્ષેત્રોમાં નોકરીઓ ભરવા માટે થાય છે. સત્તાવાર આંકડા મુજબ દર વર્ષે આપવામાં આવતા આ વિઝા માં ભારતના 71 ટકા વિઝા ભારતીય વ્યાવસાયિકોને મળે છે.બીજા નંબરે ચીનના 11.7 ટકા વ્યાવસાયિકોને H-1B વિઝા મળે છે. અમેરિકા દર વર્ષે લોટરી સિસ્ટમ દ્વારા 85,000 H-1B વિઝા જારી કરે છે. આ વર્ષે, એમેઝોનને સૌથી વધુ 10,000થી વધુ વિઝા મળ્યા છે ટાટા કન્સલ્ટન્સી, માઇક્રોસોફ્ટ, એપલ અને ગૂગલ પણ આ વિઝા મેળવનાર ટોચની કંપનીઓમાં સામેલ છે. કેલિફોર્નિયામાં H-1B કામદારોની સૌથી મોટી સંખ્યા છે.
શું છે H-1B વિઝા?
H-1B વિઝા એ અમેરિકાનો અસ્થાયી કાર્ય વિઝા છે, જે કંપનીઓને વિશેષ કૌશલ્ય ધરાવતા વિદેશી વ્યાવસાયિકોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. આ વિઝા 1990માં શરૂ થયો હતો અને તે ખાસ કરીને જ્યાં જગ્યાઓ પરવી મુશ્કેલ હોય તેવા વિજ્ઞાન, ટેક્નોલોજી, ઇજનેરી અને ગણિત જેવા ક્ષેત્રો માટે છે, આ વિઝા માટે અરજદાર પાસે બેચલર ડિગ્રી અથવા તેનાથી ઉચ્ચ શિક્ષણ હોવું જરૂરી છે. શરૂઆતમાં ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે, જેને વધારીને મહત્તમ છ વર્ષ સુધી લંબાવી શકાય છે. જો કે ગ્રીન કાર્ડ ધારકના વિઝા અનિશ્ચિત સમય માટે રિન્યૂ કરી શકાય છે.
