એક સમયના જાસુસી અને દેશદ્રોહના આરોપી ઉત્તર પ્રદેશમાંમાં જજ બનશે
અલ્હાબાદ હાઇકોર્ટે એક મહત્વના ચુકાદામાં જાસૂસી અને દેશદ્રોહના આરોપમાંથી નિર્દોષ છુટેલા પ્રદીપ કુમાર નામના શખ્સને ન્યાયાધીશ તરીકે નોકરી આપવા ઉત્તર પ્રદેશ સરકારને આદેશ કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે પ્રદીપ કુમાર સામે વર્ષ 2000 અને 2004 માં કાનપુર પોલીસે જાસૂસી અને દેશદ્રોહના ગુના નોંધ્યા હતા.
એ કેસની સુનવણી પૂરી થતાં તારીખ 6 માર્ચ 2014 ના રોજ કાનપુરની અદાલતે તેમને સન્માન પૂર્ણ રીતે નિર્દોષ જાહેર કર્યા હતા. એ પછી પ્રદીપ કુમારે 2017 માં યુપીની હાયર જ્યુડિશિયલ પરીક્ષા પાસ કરી હતી. જોકે તેમ છતાં તેમને એપોઇન્ટમેન્ટ ન આપવામાં આવતા તેમણે હાઇકોર્ટમાં દાદ માગી હતી.
એ કેસનો ચુકાદો આપતા અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ સુમિત્રા દયાલ સિંધ અને જસ્ટિસ ડોનાડી રમેશની ખંડપીઠે કહ્યું કે પ્રદીપ કુમારને અદાલતે સન્માનપૂર્ણ નિર્દોષ જાહેર કર્યા છે. વિદેશી દેશોની જાસૂસી સંસ્થા માટે તેઓ કામ કરતા હોય તેવો એક પણ પુરાવો પોલીસ રજૂ કરી શકી નથી. તેમની સામેના જાસુસી અને દેશદ્રોહના આરોપોમાં તસુભાર પણ સત્ય નહોતું. નોંધનીય છે કે અગાઉ પ્રદીપ કુમારના પિતાને લાંચના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સરકારી વકીલે પ્રદીપ કુમારને નોકરી ન આપવા માટે એ પરિબળને કારણભૂત ગણાવ્યું હતું તેની ટીકા કરતા અદાલતે કહ્યું કે કોઈ પિતાના કૃત્ય માટે તેના પુત્રને જવાબદાર ન ગણાવી શકાય.
અદાલતે કહ્યું કે એ વાતનો ઇન્કાર થઇ શકે તેમ નથી કે પ્રદીપ કુમાર સામે ગંભીર આરોપો હતા પણ માત્ર આરોપો લગાવવાથી કોઈ વ્યક્તિ ગુનેગાર નથી બની જતી. અદાલતે જ્યારે તેમને નિર્દોષ જાહેર કર્યા છે ત્યારે તેમની લાયકાત છતાં નોકરી ન આપવા માટે કોઈ વ્યાજબી કારણ નથી. અલ્હાબાદ હાઇકોર્ટે પ્રદીપ કુમારના કેરેક્ટર સર્ટિફિકેટ મેળવવા જેવી ઔપચારિક વિધિઓ પૂર્ણ કર્યા બાદ 15 મી જાન્યુઆરી 2025 સુધીમાં ન્યાયતંત્રમાં અત્યારે ખાલી પડેલી જગ્યા પર તેમને અપોઇન્ટમેન્ટ આપવા સરકારને આદેશ કર્યો હતો.