પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન : લાંબી બીમારી બાદ દિલ્હીની હૉસ્પિટલમાં 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
જમ્મુ-કાશ્મીર સહિત બિહાર, ઓડિશા, ગોવા અને મેઘાલય જેવા રાજ્યોમાં ગવર્નર તરીકે સેવા આપનાર પીઢ રાજકારણી સત્યપાલ મલિકનું મંગળવારે 79 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી કિડની સંબંધિત બીમારીથી પીડાતા હતા અને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગવર્નર તરીકેની તેમની કારકિર્દી દરમિયાન તેઓ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરવા અને પુલવામા આતંકવાદી હુમલા જેવી મહત્વની ઘટનાઓના સાક્ષી રહ્યા હતા. નિવૃત્તિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર પર સ્ફોટક આક્ષેપો કરીને તેઓ રાજકીય ગલિયારામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

સત્યપાલ મલિકનો જન્મ ઉત્તર પ્રદેશના બાઘપતમાં એક જાટ પરિવારમાં થયો હતો. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી. 1974માં તેઓ ચૌધરી ચરણસિંહની ભારતીય ક્રાંતિ દળના ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે રાજ્યસભા સાંસદ તરીકે અને અલીગઢથી જનતા દળના લોકસભા સાંસદ તરીકે પણ સેવા આપી હતી. તેમની રાજકીય સફર દરમિયાન તેમણે કોંગ્રેસ, લોક દળ અને સમાજવાદી પાર્ટી સહિત વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાણ કર્યું હતું. 2017માં તેમને બિહારના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, અને ત્યારબાદ તેમને ઓડિશાનો વધારાનો હવાલો સોંપાયો. 2018માં તેઓ જમ્મુ-કાશ્મીરના ગવર્નર બન્યા હતા. 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું ત્યારે મલિક ગવર્નર હતા. આ ઉપરાંત જેમાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા તે 2019ના પુલવામા આતંકવાદી હુમલા દરમિયાન તેમણે ગવર્નર તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેમણે ગોવા અને મેઘાલયના ગવર્નર તરીકે પણ સેવા આપી હતી.
આ પણ વાંચો : દરિયામાં 31 હજાર ફૂટની ઊંડાઈએ જીવન જોઈ વિજ્ઞાનીઓ ચકિત, ટાઈટેનિકના કાટમાળથી પણ વધુ ઊંડાઈ
સરકાર પર આક્ષેપો અને વિવાદો
2020-21 દરમિયાન સત્યપાલ મલિકે કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને સમર્થન આપતા ભાજપ સરકાર સાથે તેમના સંબંધોમાં કટુતા આવી હતી. જમ્મુ કાશ્મીરના ગવર્નર હતા ત્યારે તેમણે કથિત રીતે આરએસએસના નેતાને સંડોવતા 300 કરોડના કથિત કૌભાંડ અંગે આક્ષેપો કર્યા હતાં 2023માં એક ઇન્ટરવ્યૂમાં તેમણે પુલવામા હુમલાને લઈને સૌથી સ્ફોટક આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે પુલવામા હુમલો સરકારની નિષ્ફળતાને કારણે થયો હતો અને કેન્દ્રએ તેમને આ મુદ્દે ચૂપ રહેવા કહ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિમાન દ્વારા જવાનોની મુસાફરીની સીઆરપીએફની માંગણીને નકારી દેવામાં આવી હતી, જેના કારણે જવાનોને રસ્તા માર્ગે મુસાફરી કરવી પડી હતી અને આતંકવાદીઓએ તેમના કાફલા પર હુમલો કર્યો હતો. મલિકના આ આક્ષેપો તેમને વિપક્ષની નજીક લાવ્યા હતા. 2023માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમનો ઇન્ટરવ્યૂ લીધો હતો જેમાં મલિકે પોતાના આક્ષેપોને વધુ મજબૂતીથી રજૂ કર્યા હતા.