છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલનું કોંગી કાર્યકરોને આહવાન…જુઓ શું કહ્યું
બેલેટ પેપરથી મતદાન કરાવવું હોય તો 384 થી વધારે ઉમેદવારી ફોર્મ ભરો
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કોંગી કાર્યકરોને દરેક બેઠકો ઉપર 384 થી વધારે ઉમેદવારી ફોર્મ ભરવા આહવાન કર્યું હતું જેથી બેલેટ પેપર દ્વારા મતદાન થઈ શકે.
તેમણે કહ્યું કે કોંગ્રેસ પહેલેથી જ બેલેટ પેપર દ્વારા મતદાનનો આગ્રહ કરતી રહી છે. ભાજપ ઇવીએમને કારણે જ વિજય મેળવે છે. તેમણે કહ્યું કે જો કોઈ બેઠક પર 384 કરતાં વધારે લોકો ઉમેદવારી નોંધાવે તો બેલેટ પેપર વડે મતદાન કરાવવા માટે ચૂંટણી પંચ મજબૂર બનશે અને તો ભાજપની અસલિયત સામે આવી જશે.
બીજી તરફ ભૂપેશ બઘેલે આ સૂચન તો કર્યું પરંતુ ક્યા સંજોગોમાં બેલેટ પેપર દ્વારા મતદાન કરવું પડે તે અંગેના કોઈ સ્પષ્ટ નિયમો નથી. છત્તીસગઢના મુખ્ય ચૂંટણી અધિકારી રીના બાબાસાહેબ કંગાલે જણાવ્યું કે વધુમાં વધુ 24 બેલેટિંગ યુનિટમાં નાટો ઉપરાંત 384 ઉમેદવારોના નામ સામેલ કરી શકાય છે. જો 384 થી વધારે ઉમેદવાર હોય તો શું થાય ? તેવા પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે તો એ સંજોગોમાં યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
ભૂપેશ બઘેલના આ નિવેદન બાદ ઇવીએમ નો મુદ્દો ફરી એક વખત સપાટી પર આવી ગયો છે. બઘેલ ઇવીએમ ના નામે ભડકામણા નિવેદનો કરી રહ્યા હોવાની ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. હવે ખરેખર કોઈ બેઠક ઉપર 384 કરતા વધારે લોકો ઉમેદવારી કરશે કે કેમ તે જોવાનું રસપ્રદ બની રહેશે.