ગુજરાતમાં માવઠાની સાથે અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો લૂથી બચવા શું કરવું
ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠના વિસ્તારમાં ભેજ અને ગરમ હવાના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થઇ શકે છે. ઉત્તર ગુજરાતમાં શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અઢી ડિગ્રી સુધી ઉંચકાઇ હતી. 10 થી 12 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
અમદાવાદનું તાપમાન 38.01 ડિગ્રી
રાજ્યમાં આગામી પાંચ દિવસ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠના વિસ્તારમાં ભેજ અને ગરમ હવાના કારણે ડિસકમ્ફોર્ટ કન્ડિશન રહેશે. ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે. જો કે તાપમાનનો પારો ઉચકાવાની શક્યતા નથી. શનિવારે રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન સાથે વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.01 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.08 ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં 38.08,સુરત 37.04, દીવમાં મહત્તમ તાપમાન 40.04 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે ઓખામાં 32 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
ગુજરાતમાં માવઠાની શક્યતા
રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન વલસાડમાં 19 ડિગ્રી અને નલિયાનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં 39, વડોદરા 37.04 તથા સુરતમાં 37.04 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે હવામાન વિભાગે માવઠાની આગાહી પણ દર્શાવી છે. ગુજરાતમાં 10, 11 અને 12 તારીખે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. બનાસકાંઠા તથા દાહોદ જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે. ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પાંચ દિવસ દરમિયાન ગરમ હવામાન અને ભેજના કારણે અકળામણ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
સામાન્ય કરતા તાપમાન નીચુ
પશ્ચિમી વિક્ષોપની નકારાત્મક અસરોને કારણે એપ્રિલ મહિનામાં ગરમીનું પ્રમાણ ઓછું છે. ઉપરાંત ગુજરાતના કેટલાક જિલ્લામાં કમોસમી હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સપ્તાહમાં ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં પણ કમોસમી હળવો વરસાદ પડવાની શક્યતા નકારી શકાતી નથી. જેના કારણે એપ્રિલ માસમાં લોકોને અકળાવનારી ગરમીમાંથી મુક્તિ મળશે. આ સમયગાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતા દિવસનું તાપમાન નીચું જોવા મળશે. વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઇ શકે છે.
હીટવેવથી બચવા શું કરવું
હીટ વેવ દરમિયાન જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધોએ તડકામાં બને ત્યા સુધી વધુ ન રહેવું. બહાર જઇએ ત્યારે ભીના કપડાથી માથું ઢાંકી રાખવુ જોઇએ. અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું અને વારંવાર ઠંડુ પાણી પીતા રહેવું જોઇએ. દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું જોઇએ. શક્ય હોય તો લીંબુ-શરબત પીવું જોઇએ. ગરમીમાં બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું જોઇએ. લીંબુ-શરબત, મોળી છાશ, નારીયેળનું પાણી, ખાંડ-મીઠાના પીણાં પીવા જોઈએ. લગ્ન પ્રસંગમાં દૂધ-માવાની આઈટમ ખાવી નહીં. ચા-કોફીના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે. તેથી સેવન કરવાનું ટાળવું.