જમ્મુ કાશ્મીર ધારાસભામાં સતત ત્રીજા દિવસે ભારે ધાંધલ ધમાલ
સ્પીકરે એક દિવસ પૂરતી ધારાસભા સ્થગિત કરી
માર્શલે ભાજપના ત્રણ ધારાસભ્યોને બહાર કાઢ્યા
જમ્મુ કાશ્મીર ધારાસભામાં સતત ત્રીજા દિવસે ધાંધલ ધમાલના તોફાની દ્રશ્યો સર્જાયા હતા. જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો તો આપતી 370મી કલમ અંગેનો ઠરાવ ધારાસભામાં પસાર બાદ બુધવારથી ભારતીય જનતા પક્ષના ધારાસભ્યોના વિરોધને કારણે ધારાસભા યુદ્ધનું મેદાન બની રહી છે.
ગુરુવારે અવામી ઇતેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુરશીદ એહમદે 370 મી કલમ ફરીથી લાગુ કરવાની માગણી સાથેનું બેનર ધારાસભામાં ફરકાવ્યા બાદ ભાજપના ધારાસભ્યોએ તેનો વિરોધ કરતા ઝપાઝપી થઈ હતી.
શુક્રવારે ધારાસભા શરૂ થઈ તે સાથે જ ભાજપના સભ્યોએ ઠરાવ પરત લેવાની માંગણી સાથે સૂત્રોચારો શરૂ કરી દીધા હતા. કેટલાક ધારાસભ્યો વેલમાં ઘસી ગયા હતા. ધારાસભ્યોને શાંત કરવાના પ્રયાસો નિષ્ફળ થયા બાદ સ્પીકરે આદેશ કરતાં માર્શલોએ મામલો સંભાળ્યો હતો. સ્પીકરે ભાજપના તમામ ધારાસભ્યોને બહાર ફેંકી દેવાનો આદેશ કર્યા બાદ માર્શલે ભાજપના 3 ધારાસભ્યોને બળજબરીથી ઉપાડી અને બહાર મૂકી આવ્યા હતા અને બાકીના ધારાસભ્યોએ ગૃહ ત્યાગ કર્યો હતો. એ દરમિયાન થયેલી ધક્કા મુક્કીમાં ખુરશીદ એહમદ જમીન ઉપર ગબડી પડ્યા હતા.ભારે ધમાલ બાદ અધ્યક્ષે ધારાસભા એક દિવસ માટે સ્થગિત કરી દીધી હતી. મુખ્યમંત્રી અમર અબ્દુલ્લા પોતાની જગ્યાએ બેસી આ તમાશો નિહાળતા રહ્યા હતા.
જમ્મુ-કાશ્મીરના મંત્રી સતીશ શર્માએ ભાજપ ભાગલા પાડવાની રાજનીતિ રમતો આવવાનો આક્ષેપ કર્યો હતો અને ભારત માતા બધાની હોવાનું જણાવ્યું હતું.