પહેલાં પતિએ પત્નીને કાઢી મૂકી પછી સાયબર ફ્રોડથી બચત પણ ‘ચાઉં’ કરી ગયો…!!
રાજકોટ બિઝનેસ વુમન કનેકટના પ્લેટફોર્મ પર સાયબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામમાં પીડિત મહિલા સહિત 70 જેટલી એન્ટરપ્રિન્યોર સાયબર સિક્યુરિટીનું લેશન શીખ્યાં:પી.આઈ.કે.પી.પટેલ અને ટીમ દ્વારા ગાઈડ કરાયાં
રાજકોટમાં આખા વર્ષમાં 90 કરોડનું સાયબર ફ્રોડ થાય છે,દરરોજ ગુજરાતમાં આશરે 1500-1600 ફરિયાદ સાયબર ક્રાઈમની નોંધાય છે.જેનાં માટે સરકાર દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવે છે. રાજકોટમાં અનેક મહિલાઓ સાઇબર ક્રાઇમનો ભોગ બને છે જે પછી ગૃહણી હોય કે બિઝનેસ વુમન…!! રાજકોટમાં મહિલાઓને સાયબર ક્રાઈમથી કઈ રીતે જાગૃત કરી શકાય..? તે અંગે માર્ગદર્શન આપવા માટે બિઝનેસ કનેક્ટ વુમનના પ્લેટફોર્મ પર રાજકોટની સાઇબર ક્રાઇમ ની ટીમ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.
આ સેમિનારમાં હાજર રહેલી 70 થી વધુ બિઝનેસ વુમન કે જેઓ કંઈ ને કંઈ રીતે સાયબરફ્રોડનો શિકાર બની છે. અજાણ્યા લોકોની આ મોડસ ઓપરેન્ડીથી સાઇબર ક્રાઇમ થાય છે પણ આ કાર્યક્રમમાં એક એવો કિસ્સો આવ્યો હતો કે સૌને વિચારતા કરી દીધા હતા.. જેમાં સુખી સંપન્ન પરિવાર ની પુત્રવધુને તેના પતિએ “પહેરેલ કપડે કાઢી મૂકી હતી…એટલું જ નહીં આ મહાશય પતિએ પત્નીએ બચત કરેલી તમામ રકમ સાયબર ફ્રોડ થકી ચાઉં કરી ગયો છે,જ્યારે મહિલાએ તેની સાથે થયેલી આ ઘટના વર્ણવી ત્યારે સાયબર પોલીસનાં અધિકારીઓએ આ મહિલાને તેની સાથે થયેલા અત્યાચાર અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે સલાહ આપી હતી અને ત્યારબાદ સાઇબર ક્રાઇમની ફ્રોડની ફરિયાદ કરી તેની આ રકમ પરત મેળવી આપવા ખાતરી આપી હતી.
આ સેમિનારમાં હાજર રહેલી તમામ બિઝનેસ વુમન અલગ અલગ સેક્ટરમાં બિઝનેસ સાથે સંકળાયેલી હોવાથી તેમને નેટબેન્કિંગ અને ઓનલાઇન ટ્રાન્જેક્શનનો થતા હોવાથી મોટા ભાગની મહિલાઓ સાથે સાઇબર ફ્રોડ થયું હોવાનું જણાવતા હવે ભવિષ્યમાં ફરીથી આવી ઘટનાઓ તેમની સાથે ન બને તે અંગે સાઇબર ક્રાઈમના પી.આઇ. કે.પી. પટેલ, ટાઈગર એક્સપર્ટ હાર્દિક હેડવ, એ.એસ.આઈ.જે.એમ.ખુંટએ નાનામાં નાની માહિતી આપી કઈ રીતે સોશિયલ મીડિયામાં નાણાકીય વ્યવહારોમાં ધોખાદારીથી બચી શકાય તે અંગે જણાવ્યું હતું.
બોક્સ હવે જામનગર, ભાવનગરની બિઝનેસવુમનને સાયબર ફ્રોડથી જાગૃત કરાશે: ચેપ્ટર હેડ સપના જટાનિયા
વુમન કનેકટના ચેપ્ટર હેડ સપના જટાનિયાએ જણાવ્યું કે, રાજકોટમાં બિઝનેસ વુમન કઈ રીતે સાયબર ક્રાઈમથી બચી શકે તે અંગે રાજકોટ સાયબર પોલીસની મદદથી માર્ગદર્શન સેમિનારમાં ઓન ધ સ્પોટ 70 જેટલી મહિલાઓના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું, આ સેમિનારની સફળતા બાદ હવે જામનગર અને ભાવનગરની બિઝનેસ વુમન માટે આ પ્રકારનો સેમિનાર રાખી તેમને જાગૃત કરાશે. બિઝનેસ કનેક્ટ ના પ્લેટફોર્મ પર મહિલાઓને નેટવર્કિંગ બિઝનેસ સાથે લર્નિંગ સેમિનાર અવારનવાર રાખવામાં આવે છે જેથી કરીને યોગ્ય જાણકારી મળી શકે.