ઝાંસીની મેડિકલ કોલેજમાં અગ્નિકાંડ : ફાયરસેફટીના સાધનો બન્યા શોભાના ગાંઠિયા સમાન, 10 નવજાત શિશુના મોત માટે જવાબદાર કોણ ??
ઉત્તર પ્રદેશના ઝાંસીમાં શુક્રવારે રાત્રે સરકારી હોસ્પિટલમાં લાગેલી આગમાં 10 નવજાત શિશુઓના મૃત્યુ નીપજવાની ઘટનામાં માનવસર્જિત બેદરકારી
હોવાની આશંકર વ્યક્ત થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હોસ્પિટલના ફાયર સેફ્ટીના સાધનોની આવડતા પૂરી થઈ ગઈ હતી અને સેફટી એલાન પણ વાગ્યું નહોતું.
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મેડિકલ હોસ્પિટલમાંશુક્રવારે રાત્રે 10:30 વાગ્યે બાળકો માટેના આઇસીયુમાં
આગ ફાટી નીકળતા 10 નવજાત શિશુઓના મૃત્યુ થયા હતા. હજુ 16 બાળકો મૃત્યુ સામે ઝઝુમી રહ્યા છે. ઘટના બની ત્યારે હોસ્પિટલમાં 50 બાળકો હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાના સાક્ષીઓના જણાવ્યા અનુસાર રાત્રે 10.30 વાગ્યે આઇસીયુમાં અચાનક ધુમાડો છવાઈ ગયો હતો
અને બાદમાં એક વિસ્ફોટ સાથે આગ ફેલાઈ ગઈ હતી. આ ઘટના બનતા વોર્ડમાં રહેલા બાળકોના પરિવારજનો આઈસીયુ માં દોડ્યા ગયા હતા અને બાળકોને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાની ૨૦ મિનિટ બાદ ફાયર ફાઈટર પહોંચ્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ દરમિયાન 10 નવજાત શિશુઓનો ભોગ લેવાઈ ગયો હતો.
આ ઘટનાને પગલે હોસ્પિટલમાં અત્યંત કરુણ દ્રશ્યો સર્જાયા હતા. બાળકોના વાલીઓ અને પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી વાતાવરણ હૃદય દ્રાવક બન્યું હતું. જે 10 બાળકો મૃત્યુ પામ્યા તેમાંથી સાતની ઓળખ થઈ ગઈ હોવાનું સત્તાવાળાઓએ જાહેર કર્યું હતું.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ
આગ લાગવાના કારણે તપાસ કરવા આદેશ આપ્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારે મૃતકો માટે પાંચ લાખ તેમજ ઘાયેલો માટે 50 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ મૃતકો માટે બે લાખ અને ઘાયલો માટે 50000ની સહાયની ઘોષણા કરી હતી. વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિએ માર્યા ગયેલા અને ઘાયલ થયેલા બાળકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ઘેરો દુઃખ વ્યક્ત કર્યું હતું.
બાળકોના પરિવારજનો દ્વારા દેખાવ
આગની ઘટનામાં ઘાયલ થયેલા બાળકોને મળવા ન દેવામાં આવતા તેમના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો અને વાલીઓએ ઉગ્ર દેખાવો કર્યા હતા. આ ઘટના માનવસર્જિત બેદરકારીને કારણે બની હોવાના આક્ષેપ સાથે અન્ય લોકોએ પણ હોસ્પિટલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના નેતાઓએ હોસ્પિટલની બેદરકારીને કારણભૂત ગણાવી યોગી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.
વિસ્ફોટ સાથે વિકરાળ આગ બચાવવાનો સમય જ ન રહ્યો
ઘટના સમય ઉપસ્થિત બાળકોના વાલીઓના જણાવ્યા અનુસાર એક વિસ્ફોટનો અવાજ આવ્યો હતો અને કોઈ કાંઈ સમજે તે પહેલા આઇસીયુ વિકરાલ આગમાં લપેટાઈ ગયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓક્સિજન કોન્સનટ્રેટરમાં સ્પાર્ક થયા બાદ
વિસ્ફોટ થયો હતો. બીજી તરફ ઘટના સમયે વોર્ડમાં ઉપસ્થિત એક શખ્સે ઓક્સિજન સિલિન્ડર સાથે પાઇપ જોડતી વેળાએ એક નર્સે દીવાસળી સળગાવતા આગ ફાટી નીકળી હોવાનો આક્ષેપ કર્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર આઈસીયુ બે ભાગમાં વહેંચાયેલું છે. તેમાં અંદરના ભાગમાં ક્રિટિકલ કેર યુનિટમાં આવા જવાનો એક જ રસ્તો હોવાને કારણે બાળકોને બચાવી શકાય નહોતા.બીજી તરફ હોસ્પિટલના અગ્નિશામક સાધનો એક્સપાયર્ડ થઈ ગયા હોવાને કારણે બુઠ્ઠા સાબિત થયા હતા. આગની ચેતવણી આપતા ફાયર એલાર્મ પણ કામ કરતા ન હોવાને કારણે બચાવ કાર્યમાં વિલંબ થયો હતો. ફાયર એલાર્મ વાગ્યું હોત તો કેટલાક બાળકોને બચાવી શકાય હોત તેવો મત અનેક વાલીઓએ વ્યક્ત કર્યો હતો.
ફેબ્રુઆરીમાં ફાયર સેફટી ઓડિટ થયું હતું: નાયબ મુખ્યમંત્રીનો દાવો
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીનો હોદ્દો પણ ધરાવતા બ્રજેશ પાઠક ઘટના બાદ હોસ્પિટલે પહોંચ્યા હતા. તેમના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી મહિનામાં ફાયર સેફટી ઓડિટ કરવામાં આવ્યું હતું. જૂન મહિનામાં મોક ડ્રીલ પણ કરવામાં આવી હતી. તેમ છતાં આગ કઈ રીતે લાગી તે અંગે આઘાત અને આચાર્ય વ્યક્ત કરી તેમણે તપાસ નો અહેવાલ આવે ત્યાં સુધી પ્રતીક્ષા કરવા સૌને જણાવ્યું હતું. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.
તબીબો અને પેરામેડિકલ સ્ટાફે બચાવવાની કોશિશ ન કરી
આગમાં 10 બાળકોના મૃત્યુની ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ બાળકોના વાલીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. આગ લાગી ત્યારે બાળકોને બચાવવાને બદલે તબીબો અને મેડિકલ સ્ટાફ સૌથી પહેલા ભાગી ગયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં એક પણ તબીબ કે હોસ્પિટલના બીજા કોઈ કર્મચારી ઘાયલ થયા નથી.