તમને વેંચી નાખીશ…પિતાએ ધમકી આપીને 2 સગીર દીકરીઓનું કર્યું જાતીય શોષણ, કોર્ટે નરાધમને ફટકારી 6 વર્ષની સજા
એક બાપ અને દીકરીના સબંધને સૌથી પવિત્ર સબંધ માનવામાં આવે છે.દીકરીને પોતાના બાપથી વધુ પ્રેમ દુનિયામાં કોઈ કરી શકે નહીં. દીકરી સૌથી વધુ સુરક્ષિત પોતાના પિતા પાસે અનુભવતી હોય છે ત્યારે બાપ-દીકરીના સબંધને લાંછન લગાડતો કિસ્સો મુંબઈમાં સામે આવ્યો છે. મુંબઈની એક ખાસ કોર્ટે 54 વર્ષીય એક પુરુષને તેની બે કિશોરવયની પુત્રીઓ પર જાતીય હુમલો કરવાના આરોપમાં છ વર્ષની જેલની સજા ફટકારી છે.
પિતા પર બળાત્કારનો આરોપ પણ લગાવ્યો
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, છોકરીઓની માતાએ તેમને ટેકો આપ્યો અને પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં મદદ કરી. છોકરીઓએ તેમના પિતા પર બળાત્કારનો આરોપ પણ લગાવ્યો હતો, પરંતુ કોર્ટમાં આરોપો સાબિત થઈ શક્યા ન હતા.
કેસની સુનાવણી કરતી વખતે, સ્પેશિયલ જજ પ્રિયા પી બાંકરે કહ્યું, “દીકરીઓ તેમના પિતાના હાથમાં સુરક્ષિત અનુભવે છે. આવી ઘટનાઓ પીડિત છોકરીઓના માનસિક અને સામાજિક સ્વાસ્થ્યને અસર કરી રહી છે. કારણ કે ગુનો તેમના પોતાના પિતા દ્વારા કરવામાં આવ્યો છે, તેથી પીડિત છોકરીઓના માનસિક આઘાત અને ઉત્પીડનને માપી શકાય નહીં…”
આરોપીને 60,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો
કોર્ટે આરોપીને 60,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તેમાંથી બંને પીડિતોને 25,000 રૂપિયા આપવામાં આવશે. ખાસ સરકારી વકીલ વીણા શેલારે જે સાક્ષીઓનો ઉલ્લેખ કર્યો છે તેમાં છોકરીઓ અને તેમની માતાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આવી જ ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટના મહારાષ્ટ્રના વસઈમાં બની હતી. પોતાના સાવકા પિતા દ્વારા કરવામાં આવેલા કથિત જાતીય શોષણથી કંટાળીને, 24 વર્ષીય એક મહિલાએ સોમવારે બપોરે રસોડાના છરીથી તેની ગરદન અને છાતી કાપી નાખી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, તેણે તેના સાવકા પિતાના ગુપ્તાંગ પર પણ હુમલો કર્યો.
અહેવાલો અનુસાર, તુલીંજ પોલીસ સ્ટેશનની પોલીસે પુષ્ટિ આપી છે કે તેઓ સાવકા પિતા, જે કડિયાનું કામ કરે છે, વિરુદ્ધ જાતીય શોષણના આરોપ હેઠળ FIR દાખલ કરશે અને છોકરી પર હત્યાના પ્રયાસનો ગુનો નોંધશે.