પટનામાં ગોઝારો અકસ્માત : ટ્રકે રિક્ષાને ટક્કર મારતા ૧૦ ફૂટ નીચે પાણી ભરેલા ખાડામાં ખાબકી, 7 લોકોના મોત
બિહારના પટનામાં સોમવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં 7 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. . બિહારની રાજધાની પટનાથી 35 કિમી દૂર મસૌડી નૌબતપુર રોડ પર નૂર બજાર પાસે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એક અનિયંત્રિત ટ્રક અને રીક્ષા વચ્ચે ટક્કરના કારણે સર્જાયો હતો. આ ઘટનામાં રિક્ષામાં સવાર સાત મુસાફરોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રકે રીક્ષાને એટલી જોરથી ટક્કર મારી કે રિક્ષા રસ્તાથી લગભગ 10 ફૂટ નીચે પાણી ભરેલા ખાડામાં ખાબકી ગઈ હતી.
અકસ્માતમાં મૃત્યુ પામનારા તમામ લોકોની ઓળખ થઈ ગઈ હતી. તેમાં રિક્ષા ડ્રાઈવર શત્રુધ્ધન રામ, 40 વર્ષીય શિવનાથ બિંદ, 40 વર્ષીય સંતોષી બિંદ, 30 વર્ષીય ભુલેટન બિંદ, 40 વર્ષીય સોમર બિંદ અને 30 વર્ષીય મછરુ બિંદ સામેલ છે. આ ઉપરાંત 20 વર્ષીય અર્જુન ઠાકુરનું પણ મૃત્યુ થયું હતું.
લોકો સહાયતા માટે આવ્યા
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, ટ્રક ખૂબ જ સ્પીડમાં હતી અને ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે રિક્ષાને જોરદાર ટક્કર લાગી. અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકોએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી, પરંતુ રીક્ષા સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ હતી.
અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ પોલીસને અકસ્માત અંગે જાણ કરી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ કેસની તપાસ ચાલી રહી છે અને ટ્રક ડ્રાઈવરની તલાશ કરવામાં આવી રહી છે. મૃતકોના પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપવામાં આવી છે.